કોરોના (Corona) ની વર્તમાન પરિસ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry)ના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના (Lav Agarwal) બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. વૈશ્વિક સ્તરે 159 દેશોમાં આ કેસ વધી રહ્યા છે. યુરોપના 8 દેશોમાં છેલ્લા 2 અઠવાડિયામાં 2 ગણાથી વધુ વધારો નોંધાયો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 9,55,319ની નજીક છે. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ઓમિક્રોનથી કુલ 115 મૃત્યુની પુષ્ટિ થઈ છે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ છે. તેમાં સૌથી વધુ 32.18% પોઝિટિવિટી રેટ બંગાળમાં છે. જે બાદ દિલ્હીમાં 23.1% અને મહારાષ્ટ્રમાં આ દર 22.39% છે.
આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સ્થિતિની સમીક્ષા પછી દર્દીને ડિસ્ચાર્જ કરવાની નીતિમાં પણ ફેરફાર કર્યો છે. હવે સામાન્ય લક્ષણવાળા સંક્રમિતોને પોઝિટિવ આવતા સાત દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દરમિયાન જો સતત ત્રણ દિવસ સુધી દર્દીની સ્થિતિ સ્વસ્થ રહે છે અને તાવ નથી આવતો તો ડિસ્ચાર્જ માટે ટેસ્ટિંગની પણ જરૂરિયાત નથી રહેતી.
મધ્યમ લક્ષણવાળા દર્દીઓમાં જો સુધારો જોવા મળે છે અને તેમનું ઓક્સિજન લેવલ સપોર્ટ વગર પણ સતત ત્રણ દિવસ સુધી 93 ટકાથી વધુ રહે છે તો એવા દર્દીઓને ડિસ્ચાર્જ કરી શકાય છે.
ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને ધીમો પાડવાની જવાબદારી આપણી છે - ડૉ. વીકે પોલ
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને ધીમો કરવાની જવાબદારી અમારી છે. માસ્ક પહેરો, રસી લો. એ વાત સાચી છે કે રસીઓ એક હદ સુધી મદદરૂપ થાય છે. રસીકરણ એ આપણા COVID પ્રતિભાવનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે વધુમાં કહ્યું કે દવાઓના ઉપયોગ માટે તર્કસંગત અભિગમ હોવો જોઈએ. અમે દવાઓના વધુ પડતા ઉપયોગ અને દુરુપયોગ અંગે ચિંતિત છીએ. દવાઓનો વધુ પડતો ઉપયોગ ન કરો, ગરમ પાણી પીવો, ઘરેલુ દેખરેખમાં કોગળા કરો.
ICMRએ બહાર પાડેલી ગાઈડલાઈનની મહત્વની બાબતો
- કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકો માટે ટેસ્ટની જરુર નહીં
- વૃદ્ધો અથવા તો ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્ક વાળા સંપર્કોએ જ કોરોના ટેસ્ટ કરાવે
- હોમ આઈસોલેશનમાં બહાર આવેલા લોકો માટે કોરોના ટેસ્ટ જરુરી
- કોરોનાના લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવો
- 60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ટેસ્ટ જરુરી
દેશમાં 24 કલાકમાં 1 લાખ 93 હજાર નવા કોરોના સંક્રમિત કેસ મળી આવ્યા છે. 60,182 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 442 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 33 હજાર 318નો વધારો નોંધાયો છે. હાલ 9.48 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.