રોયલ એનફિલ્ડ બુલેટમાં પહેલા આગ લાગવી અને પછી વિસ્ફોટ થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગૂંતકલ વિસ્તારમાં આવેલા એક ગામનો જણાવવામાં આવી રહ્યો છે. ઘટના સમયે બુલેટ મંદિર પરિસરમાં ઉભી હતી.
આ બુલેટ રવિચંદ્ર નામના વ્યક્તિની હતી. તેણે કહ્યું કે તે મૈસુરથી ગૂંતકલ સુધી સતત બુલેટ ચલાવીને મંદિર પહોંચ્યો હતો, જે લગભગ 387 કિમી છે. આ બુલેટ એકદમ નવી હતી અને પૂજા કરવા માટે ગૂંતકલ વિસ્તારના નેત્તિકતી આંજનેય સ્વામી મંદિર પહોંચ્યા હતા. રવિચંદ્રએ જણાવ્યું કે મંદિર પરિસરની બહાર પાર્કિંગમાં બુલેટ ઉભી કરી અને અચાનક તેમાં આગ લાગી અને જોતજોતામાં જ જોરદાર વિસ્ફોટ થયો.
લોકોનો દાવો - પેટ્રોલની ટાંકી ફાટવાથી થયો વિસ્ફોટ
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બુલેટ દૂરથી ચલાવીને લાવવામાં આવી હતી અને સંભવતઃ લીકેજને કારણે તેમાં આગ લાગી હતી અને બાદમાં પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થવાને કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં હાજર લોકો સમજી રહ્યા હતા કે બોમ્બ વિસ્ફોટ થયો છે, પરંતુ સ્થિતિ સામાન્ય થયા બાદ તેઓને અસલી મામલો સમજાયો.