ભગવાન જગન્નાથને તાવ આવી રહ્યો છે, ઈલાજ ચાલુ છે
, મંગળવાર, 19 જૂન 2012 (12:31 IST)
21
જૂને પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનારી છે પણ ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન હાલમાં બીમાર છે. કસ્બેનુમા શહેરની વચ્ચે આવેલા મંદિરના દરવાજા છેલ્લા ૧પ દિવસથી બંધ છે કેમ કે અહીં વૈદ્યો ભગવાનનો ઇલાજ કરી રહ્યા છે. જેમાં ભગવાનને દશમૂલારિષ્ટથી બનાવાયેલી ગોળીઓ (લાડુ) અપાઇ રહી છે. આ ઉપરાંત જડીબુટ્ટીઓવાળા દુર્લભ પુલરી તેલની માલિશ પણ ભગવાનને કરાઇ રહી છે.
ચોંકી ના જશો, સાચે જ આવું થઇ રહ્યું છે. હકીકતમાં રથયાત્રા અગાઉ ૧પ દિવસ માટે ભગવાનને તાવ આવે છે. આ અંગે પંડિત ગૌરીશંકર શૃંગારીએ કહ્યું કે, વર્ષમાં એક જ વાર ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને તેમાં ભગવાનને ઠંડી લાગી જાય છે.ભગવાનની જૂનની પૂનમે બીમાર થાય છે અને રથયાત્રાના થોડા સમય અગાઉ સ્વસ્થ થઇ જાય છે. ર૧ જૂને નીકળનારી રથયાત્રા અગાઉ ર૦મીએ ભગવાન દર્શન આપશે. અને જ્યાં સુધી ભગવાનનો આ ઇલાજ ચાલે છે ત્યાં સુધી દર્શન માટે ભગવાનને બદલે તેમની પ્રતિકૃતિ રાખવામાં આવે છે, જેનાં દર્શન મોટા દરવાજાના નાનાં નાનાં છિદ્રોમાંથી ૧૦ રૂપિયા ચૂકવીને કરી શકાય છે.ઉપચાર કરનારું અલગ મંત્રાલય...ભગવાનના ઇલાજ માટે પૂજારીઓનું અલગ જૂથ છે. તેઓ જડીબુટ્ટીઓના જાણકાર હોય છે અને જગન્નાથ મંદિરમાં એક મંત્રાલયની જેમ કામ કરે છે, તેમાં ૩૬ વિભાગ હોય છે. તમામ પંડિતોને તેમના ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓને આધારે જવાબદારી સોંપવામાં આવે છે. ખાવાનું બનાવનારા, ઉપચાર કરનારા, શણગાર કરનારા તમામ અલગ-અલગ પૂજારી હોય છે. દવા આપનારા પૂજારીને દૈત્યા કહેવાય છે અને શૃંગાર કરતા પૂજારીના નામ આગળ શૃંગારી લગાવાય છે.