'
દિલ્હી મહિલા આયોગ (DCW) એ પરિવહન વિભાગને નોટિસ રજુ કરીને 'SEX' સીરિઝના વાહન નોંધણી નંબરમાં ફેરફાર કરવાની માંગ કરી છે. આ સાથે ડીસીડબ્લ્યુએ વિભાગને તેના જવાબમાં નવી શ્રેણી હેઠળ નોંધાયેલા વાહનોની કુલ સંખ્યા આપવા માટે પણ કહ્યું છે.
મળતી માહિતી મુજબ, હાલમાં જ એક છોકરીએ સ્કૂટી ખરીદી હતી, તેના વાહનના રજિસ્ટ્રેશન નંબરની સિરીઝમાં 'SEX' અક્ષરો હતા, જેના કારણે તેને ટોણા, શરમ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો.
યુવતીએ મહિલા આયોગને પોતાની પરેશાની વિશે વાત કરતા કહ્યુ કે તેને ફાળવેલ સીરિઝના રજીસ્ટ્રેશન નંબરને કારણે ભારે ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે લોકો તેને ટોણો મારતા હતા અને ચીડવતા હતા. તેણે કહ્યું કે આ બધાને કારણે, તેને ક્યાંય પણ બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે જરૂરી કામ માટે બહાર જઈ શકતી નથી.
આ મામલાની નોંધ લેતા કમિશને ટ્રાન્સપોર્ટ વિભાગને નોટિસ પાઠવી સ્કૂટીના વાહન રજીસ્ટ્રેશન નંબરમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી છે. આયોગે પરિવહન વિભાગને આ શ્રેણીમાં નોંધાયેલા વાહનોની કુલ સંખ્યા આપવા પણ કહ્યું છે. કમિશને વિભાગને મળેલી આવી તમામ ફરિયાદોની વિગતો પણ માંગી છે. આખરે, આયોગે 4 દિવસમાં આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ટ્રાન્સપોર્ટ વિભાગ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.