Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂખસાનાની બહાદુરીને સલામ !

રૂખસાનાની બહાદુરીને સલામ !

જનકસિંહ ઝાલા

, બુધવાર, 30 સપ્ટેમ્બર 2009 (12:04 IST)
કહેવાય છે કે, લડાઈ કેવી પણ કેમ ન હોય તેને માત્ર હથિયારો વડે જ જીતી શકાતી નથી તેના માટે અદમ્ય સાહસ અને દૃઢ મનોબળની પણ જરૂરિયાત રહે છે.
PIB
PIB
જે વ્યક્તિ પાસે આ બન્ને ગુણો હોય છે તે વ્યક્તિ અત્યાધુનિક હથિયારો લેસ દુશ્મનને પણ હરાવી શકે છે.


જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલ્સી ગામની રૂખસાના નામની યુવતીએ એક વાર સિદ્ધ કરી દેખાડ્યું છે કે, જો સાહસ અને મનોબળ હોય તો આતંકવાદીઓને જમીન ચાંટતા કરવાનું કાર્ય જરા પણ મુશ્કેલ નથી. રવિવારે રાતે રૂખસાનાના ઘરમાં આતંકવાદીઓની ટોળકી ઘૂસી ગઈ હતી.

આતંકવાદીઓએ તેના પરિવારજનોને ડરાવવા ધમકાવાનું શરૂ કર્યુ હતું ત્યારે રૂખસાના અને તેનો પરિવાર આતંકવાદીઓ પર તૂટી પડ્યો. એકે-47 રાઈફલો સાથે આવેલા ત્રણ આતંકવાદીઓનો આ યુવતી અને તેના ભાઈએ જે સાહસ સાથે મુકાબલો કર્યો તે સાચે જ પ્રશંસાને પાત્ર છે.

રૂખસાનાએ એક કુલ્હાડીની મદદ વડે ન તો માત્ર એક આતંકવાદીને ઠાર કર્યો પરંતુ બે આતંકવાદીઓને ઘાયલ પણ કરી દીધા. આતંકવાદીઓના હથિયાર છીનવીને રૂખસાનાએ તેમને જ નિશાન બનાવ્યાં.

છેલ્લા 30 વર્ષથી કાશ્મીર ઘાટીમાં પ્રવર્તી રહેલા આતંકવાદરૂપી દાનવનો સામનો કરવા માટે રૂખસાનાએ અહીની સુરક્ષા ટુકડી અને નિર્દોષ જનતા સામે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. આ ઘટના બાદ કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે આશાની એક કિરણ ઉભરીને બહાર આવી છે. એટલું જ નહીં અહીંની જનતા પણ અમુક હદે સ્વયં આતંકવાદ સામે લડવા માટે પોતાનું મન મજબૂત કરી ચૂકી છે. જેના માટે રૂખસાના અને તેનો પરિવાર પ્રશસા અને સન્માનનો હકદાર છે.

વર્ષ 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું યુદ્ધ પણ આ વાતની પુષ્ટિ કરે છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ફોજની અમેરિકી પેટન ટેન્કોને જે પ્રકારે નષ્ટ કરી હતી તેનાથી દુશ્મનોના હોશ ઉડી ગયાં હતાં. આ ટેન્ક અત્યાધુનિક હતી અને પાકિસ્તાની સેનાને તેના પર પૂરતો ભરોસો હતો પરંતુ ભારતીય સેનાના સાહસ આગળ તે ટકી ન શકી.

એનો એ અર્થ બિલકુલ પણ નથી થતો કે, સેના અને બીજી સુરક્ષા ટુકડીઓને અત્યાધુનિક હથિયારો પૂરા પાડવા ન જોઈએ. સુરક્ષા ટુકડીઓને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ આપવી જોઈએ. સમયાંતરે તેમને નવેસરથી તાલીમ પણ આપવી જોઈએ પરંતુ જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે પાસે રહેલા હથિયારોને જ સર્વશ્રેષ્ઠ માનીને પૂરા સાહસ અને મનોબળ સાથે લડવાનો મંત્ર પણ આત્મસાત કરવામાં આવવો જોઈએ.

આ મંત્ર જીતનો માર્ગ છે. જમ્મૂ કાશ્મીર છેલ્લા ત્રણ દશકાથી આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનના સહયોગ પર આતંકવાદીઓ જમ્મૂ કાશ્મીરમાં દરરોજ રક્તની હોળી રમી રહ્યાં છે અને હવે આ આતંકવાદ માત્ર કાશ્મીર ઘાટી પૂરતો સિમિત ન રહેતા સમગ્ર ભારત દેશમાં ફેલાઈ ચૂક્યો છે.

આવા સમયે સામાન્ય જનતાએ પણ રૂખસાના જેવું આત્મબળ ધારણ કરવાની જરૂરિયાત છે. કાશ્મીરની આ ઘટનાથી આતંકવાદીઓ પણ સણસણતો જવાબ મળ્યો છે. તેમને પણ હવે સમજાઈ ગયું છે કે, જે મહિલા બુરખો ઓઢીને પોતાની આબરૂ ઢાકી શકે છે તે જરૂર પડ્યે હાથમાં હથિયાર લઈ ચંડીનું રૂપ ધારણ કરીને દુશ્મનોનો સંહાર પણ કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati