બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજળ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર એક વૃક્ષના પાન છે. જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે. અને કોઈક તો ચાર, પાંચના સમૂહમાં પણ હોય છે. પરંતુ ચાર, પાંચના સમૂહના પાન દુર્લભ હોય છે.
બીલીના પાનમાં ઔષધિ ગુણ પણ સમાયેલ છે. જેના ઉચિત ઔષધિ પ્રયોગ દ્વારા ઘણા રોગોનું નિદાન થઈ શકે છે. બીલ્વ વૃક્ષને ભગવાન શિવનું જ સ્વરૃપ માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે. એની જડમાં શિવલીંગ સ્વરૃપી શિવજીનો વાસ હોય છે.જેથી કરીને બીલીવૃક્ષના મૂળમાં ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં વૃક્ષના મૂળ એટલે કે એની જડને સીંચવામાં આવે છે.
બિલ્વમૂલે મહાદેવં લિંગરૃપિણમવ્યયમ્
યઃ પૂજયતિ પુણ્યાત્મા સ શિવં પ્રાપ્નુયાદ્ (શિવ મહાત્મય)
મતલબ બીલીના મૂળમાં લિંગરૃપી મહાદેવનું પૂજન જે પુણ્યાત્મા કરે છે. એનું કલ્યાણ થાય છે. જે વ્યક્તિ બીલીના મૂળમાં જળનું સિંચન કરે છે એને બધા જ તીર્થોનું ફળ મળે છે.