બનાસકાંઠાની સીટ પર પ્રજાએ બનાસનીબેન ગેનીબેનનું મામેરું ભરી દેતા લોકોએ અભિનંદન વર્ષા કરી હતી.ગુજરાતમાં સતત બે વખત 26માંથી 26 બેઠકો જીતતા ભાજપને આ વખતે ક્લિન સ્વિપ કરવું ભારે પડ્યું છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 28 હજાર મતથી ભાજપના રેખાબેન ચૌધરીને પરાજય આપ્યો છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાથી જ ભાજપે રાજ્યની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની જાહેરાત કરી હતી. હવે પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને માત્ર ચાર બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ મળી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને ગેનીબેનને જીતની શુભકામનાઓ આપી છે. તે ઉપરાંત ભાજપની પાંચ લાખની લીડ પર કોણે પાણી ફેરવ્યું તે પણ એક સવાલ છે. ચૂંટણી સમયે સક્રિય થયેલા ક્ષત્રિયોને કારણે મતદાન ઓછું થયું હતું પણ રાજકોટ બેઠક પર રૂપાલા ભારે માર્જિનથી જીત્યાં છે. બીજી તરફ શરૂઆતથી જ કોંગ્રેસના પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર જીતના માર્જિન સાથે આગળ હતાં પણ છેલ્લા રાઉન્ડમાં તેઓ ભાજપના ભરતસિંહ ડાભી સામે હારી ગયાં હતાં. ગેનીબેને ચૂંટણીના પ્રચાર વખતે બનાસકાંઠાની બહેન ગેની બહેન નામથી મામરૂ ભરવાની વાત કરી હતી અને લોકોએ તેમને ખોબલે ખોબલે ચૂંટણી લડવા માટે નાણાં પણ આપ્યા હતાં. હવે તેમની જીત થતાં બનાસકાંઠાના લોકોએ તેમની જીતને વધાવી લીધી છે.