સમાચાર એજન્સી પીટીઆઈના હવાલાથી મળેલ સમાચાર અનુસાર, સીટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ વિરુદ્ધનાં પ્રદર્શનોએ હિંસક બની જવાના કારણે આસામ પોલીસના એડીજી (કાયાદો અને વ્યવસ્થા) મુકેશ અગ્રવાલે ગૌહાટીમાં લાદવામાં આવેલ કર્ફ્યુ અનિશ્ચિતકાળ સુધી લંબાયો હોવાની જાહેરાત કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, આસામના ગૌહાટી શહેરમાં આ બિલના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓને તિતર બિતર કરવા માટે પોલીસે ટિયર ગૅસ શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
હિંસક ઘટનાઓ બાદ સ્થાનિક તંત્ર દ્વારા ગૌહાટીમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો. આસામમાં હિંસાના અહેવાલની વચ્ચે બુધવારે નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ મામલે મતદાન કરવામાં આવ્યું હતું. લગભગ 6 કલાકથી વધારે લાંબી ચર્ચા બાદ મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બિલના સમર્થનમાં125 મત પડ્યાં હતાં. જ્યારે વિરૂદ્ધમાં 105 મત પડ્યા હતાં. કુલ 209 રાજ્યસભા સાંસદોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સાથે જ નાગરિક સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલના સમર્થનમાં મતદાન કરનાર સંસદસભ્યોનો આભાર માનતા લખ્યું કે દેશના બંધુત્વ અને કરુણામાં માનતા ભારત માટે આજનો દિવસ 'સીમાચિહ્નરૂપ' છે. સોનિયા ગાંધીએ નિવેદન બહાર પાડીને CABનો ખરડો પસાર થવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજનો દિવસ બંધારણીય ઇતિહાસનો 'કાળો દિવસ' છે.
આ પહેલાં નાગરિકતા સંશોધન બિલને 'સિલેક્ટ કમિટી' પાસે વિચારણા અર્થે મોકલવાનો પ્રસ્તાવ 99 વિરુદ્ધ 124 મતથી રદ થઈ ગયો હતો. આમ CABને બંને ગૃહની મંજૂરી મળી ગઈ છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીની સાથે તે કાયદો બની જશે.