અમદાવાદ કોંગ્રેસના 500 કાર્યકર્તાઓ આજે એકસાથે રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ચાંદખેડાના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા છે. આજે બપોરે 2 વાગ્યા બાદ પાલડી પાસે રાજીવગાંધી ભવનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ કાર્યકર્તાઓ રાજીનામું આપીને ખેસ પણ ઉતારશે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કોંગી નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢશે. આ રેલી ચાંદખેડાથી નીકળી બપોરે 2 વાગ્યે કોંગ્રેસના કાર્યલય( રાજીવ ગાંધી ભવન) પહોંચશે. આ રેલીમાં જોડાયેલા કોંગી નેતાઓ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીનામું આપશે તેમજ પહેરેલું ખેસ પણ ઉતારશે. ખેસ ઉતારવાની આ સૌ પ્રથમ ઘટના બનશે.સુત્રોના આધારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસમાં પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચુકી છે. પરંતું કોંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે.