હંમેશા જાહેરજીવનની વ્યસ્તતામાં શાંત સ્વભાવ રાખતા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે બુધવારે બે પ્રસંગોમાં જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો. આ ગુસ્સો ખરેખર કોના ઉપર હતો એને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. બુધવારના રોજ મુખ્યમંત્રી રૂપાણી સાથે હેકાથોનના ઈનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત નીતિન પટેલે પ્રાસંગિક પ્રવચન આપવાની જાહેરમાં ના પાડી દીધી તો ત્યાર બાદના તેમની ઓફિસ ખાતેના મીડિયા બ્રીફિંગ સમયે ઉપસ્થિત અરજદારો પર પણ ભડકી ઊઠ્યા. સચિવાલય અને સ્વર્ણિમ સંકુલોમાં એ મૂદ્દે ચર્ચા ચાલી રહી છે કે, નીતિન પટેલ કેમ ગુસ્સે ભરાય છે.
બુધવારના રોજ કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલા હેકાથોનમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ સ્વાભાવિક ક્રમાનુસાર નીતિન પટેલને પ્રાસંગિક પ્રવચન આપવાનું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પટેલે મંચ પર સાથે બેઠેલા મુખ્યમંત્રી રૂપાણીને પોતે પ્રવચન નહીં આપે તેવું જણાવ્યું હતું. પરંતુ તેની જાણકારી કાર્યક્રમનાં સંચાલકને ન હતી. તેથી ચુડાસમાનાં પ્રવચન બાદ જ્યારે સંચાલકે નીતિન પટેલના નામની ઘોષણા કરી ત્યારે પટેલ ચિડાઈ ઊઠ્યા હતા. પટેલે જાહેરમાં સૌની વચ્ચે સંચાલકને જણાવ્યું કે, મેં ના તો પાડી કે સમયનો અભાવ છે, સાહેબ પ્રવચન આપશે.