Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્યુસાઇડ પ્રીવેન્શન હેલ્પ લાઇન સેવા શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય, પી.વી.સિન્ધુ બની બ્રાન્ડ એમ્બેસેડર

સ્યુસાઇડ પ્રીવેન્શન હેલ્પ લાઇન સેવા શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય, પી.વી.સિન્ધુ બની બ્રાન્ડ એમ્બેસેડર
ગાંધીનગર: , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (17:06 IST)
દેશના કરોડો ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સવલતો પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો રાજ્યના નાગરિકોને સમયસર મળી રહે તે માટે ટીમવર્કથી કામ કરીને તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ બનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય કર્મીઓને આહવાન કર્યું છે.
webdunia

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને સત્વરે સારવાર મળી રહે એ માટે ઓપીડીના સમય દરમિયાન એટલે કે વર્કીંગ ટાઇમ દરમિયાન રાજ્યભરમાં ડૉકટરોને લગતા કોઇપણ સેમિનારનું આયોજન કરાશે નહીં તથા રાજ્યભરમાં આગામી બે વર્ષમાં ૧૧ હજારથી વધુ હેલ્થ વેલનેસ સેન્ટર પણ વિકસીત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાય છે. જેની સાથે રાજ્ય સરકારની ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાને જોડી દેવાઇ છે. આ માટે કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી અને રાજ્યના સંવેદનશીલશીલ મુખ્યમંત્રીએ પણ જનહિતને ધ્યાને લઇને હવેથી ‘મા’, ‘મા વાત્સલ્ય’ અને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળના તમામ લાભાર્થીઓને રૂપિયા પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે કોઇ નાગરિક રહી ન જાય અને દરેક વ્યક્તિ પાસે આ યોજનાના કાર્ડ હોય એ માટે સૌએ સહીયારા પ્રયાસો કરવા પડશે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના અંદાજીત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ૪ કરોડ વ્યક્તિઓને આવરી લેવાયા છે. જે પૈકી ૭૩.૮૯ લાખ કુટુંબો એટલે કે ૩.૭૦ કરોડ વ્યક્તિઓની નોંધણી પણ થઇ ગઇ છે. રાજ્યમાં આ માટે ૨,૬૩૭ હોસ્પિટલો સાંકળી લેવાઇ છે અને અત્યાર સુધીમાં હ્રદય, કીડની, કેન્સર સહિત વિવિધ રોગોના ૮.૪૫ લાખ લાભાર્થીઓએ કુલ ૧૩૭૩.૬ કરોડના દાવા સાથે દેશમાં ગુજરાત મોખરે છે.

રાજ્યના નાગરિકોને ૧૨ થી વધુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આગામી બે વર્ષમાં ૧૧,૦૧૭ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો વિકસાવવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ દેશભરમાં ૧,૫૦,૦૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં સગર્ભા અને બાળરોગ સેવાઓ, બાળકોનું રસીકરણ, આંખ, કાન, નાક, ગળા, દાંતના રોગ સારવાર, વૃદ્ધો માટે સારવાર, માનસિક રોગ સારવાર, યોગ, આયુર્વેદ સારવાર અપાશે. આ માટે ૭૯૦ કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની નિમણૂક કરી આ કાર્યમાં જોડવામાં આવશે.

માનસિક આરોગ્યની બિમારી વિશે જાગૃતિના અભાવે તથા દર્દીઓ આ બિમારીની સારવાર માટે આગળ આવતા નથી ત્યારે તેઓને સમયસર માર્ગદર્શન મળી રહે તે માટે પણ દેશમાં ગુજરાતે પહેલ કરીને સ્યુસાઇડ પ્રીવેન્શન હેલ્પ લાઇન ૧૦૪ કાર્યાન્વિત કરી છે. જેના દ્વારા મનોવ્યથિત લોકોને ૨૪ કલાક કાઉન્સેલીંગની સારવાર મળી રહેશે. જે માટે નેશનલ બેડમીન્ટન ચેમ્પિયન કુમારી પી.વી.સિન્ધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે જે આપઘાત અટકાવવાના પ્રયાસો કરશે.

આકસ્મિક સમયે નાગરિકોને ઝડપથી સારવાર આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખૂબ જ પ્રચલીત બની છે. જેના દ્વારા ૧૨ વર્ષના ગાળામાં ૧ કરોડ ૧૨ લાખ લોકોને કટોકટીના સમયે સારવાર પૂરી પાડી છે. રાજ્યમાં હાલ ૫૮૭ એમ્બ્યુલન્સોમાં વધારાની ૩૨૪ એમ્બ્યુલન્સોમાં ઉમેરો થતા ૨૬૧ એમ્બ્યુલન્સો બદલાશે ને ૬૩ નવા એમ્બ્યુલન્સના લોકેશનન ક્રમશ: ઉમેરો કરતાં રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલસોની સંખ્યા લઇ જવાશે. સાથે સાથે પ્રસુતાને ઘરે મૂકવા માટે ૩૪૭ ખિલખિલાટ વાન કાર્યરત છે, જેમાં આજે ૧૭૪ નવી ખિલખિલાટ વાન ઉમેરાશે. અત્યાર સુધીમાં ૬૪,૩૨,૨૨૯ લાભાર્થીઓને સેવાઓ પૂરી પડાઇ છે.

તેમણે કહ્યું કે, ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે ‘માયટેકો’ મોબાઇલ એપ પણ કાર્યાન્વિત કરાઇ છે. જેના દ્વારા સમયસર સેવાઓ પૂરી પડાશે. નાગરિકોને સ્વાસ્થ્ય પરત્વે સજાગ રાખશે અને સ્વસ્થ જીવન માટે જન આંદોલનમાં પરિવર્તિત કરશે.

આ પ્રસંગે ૩૨૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ અને ૧૭૪ ખિલખિલાટ વાનનું લોકાર્પણ પણ કરાયું હતું. તે ઉપરાંત રાજ્યમાં ‘ટેકો+’ મોબાઇલ એપના સફળ અમલીકરણ જન હિતાર્થે નવી મોબાઇલ એપ ‘માય ટેકો’ નું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલી આ ‘MY TeCHO’  એપથી રાજ્યના આરોગ્ય કાર્યકરોને સુસજ્જ કરી ગુજરાત સરકારે લાભાર્થીઓને સમયસર સેવાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. નાગરીકોને તેમના સ્વાસ્થ્ય પરત્વે સજાગ રાખશે અને સ્વસ્થ જીવન માટે સંપૂર્ણ માહિતી પુરી પાડશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની 6 વિધાનસાભાની સીટો પર યોજાશે પેટાચૂંટણી, જાણો કોને મળી શકે છે ટિકીટ