ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે. ગુજરાતનું યુવાધન હવે માતૃભાષાનું મહત્વ સમજીને જે રીતે આપણી પ્રાદેશિક ફિલ્મો નિહાળવા માટે રસ ધરાવતો થયો છે. તે જોતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ભાવી ઉજ્જવળ છે. બીજી બાજુ ફિલ્મના નિર્માતાઓ પણ જુની પરંપરાઓમાંથી બહાર આવીને સારી ફિલ્મો બનાવતા થયાં છે. ત્યારે આગામી 25મી ઓગસ્ટે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘પપ્પા તમને નહીં સમજાય છે’.આ ફિલ્મમાં પિતા પુત્રની આજના આઘુનિક યુગની જનરેશન ગેપને કંઈક વિશેષ રીતે રજુ કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે દિકરાની વાતનો વિરોધ પપ્પા કરે તો દિકરો બહુ બહુ તો તેની માતાને ફરિયાદ કરી શકતો હતો. કે મમ્મી જો પપ્પા મારી વાત કેમ સમજતા નથી. જ્યારે સ્માર્ટફોનના આ યુગનો દિકરો પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે પપ્પા તમને નહીં સમજાય. ખરેખર શું આજના યુવાનોની વાત પપ્પા નથી સમજી શકતા કે દિકરો તેમને સમજાવી નથી શકતો. આ સમસ્યાનો ઉકેલ અદભૂત રીતે આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.
સંવેદનાના ક્લેવર પર હાસ્યનો શણગાર કરી ખૂબ સલુકાઈથી દિગ્દર્શક ધર્મેશ મહેતાએ આ ફિલ્મની માવજત કરી છે. આ ફિલ્મમાં મનોજ જોશી, કેતકી દવે, બોલિવૂડના અભિનેતા જોની લિવર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી, અંકિત ત્રિવેદી અને ભૂમી ત્રિવેદીએ આ ફિલ્મના સંવાદો લખ્યાં છે.
બોલિવૂડના લોકપ્રિય ગાયક શાન અને નકાશ અઝીઝ જેવા ગાયકોએ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે તો પીયૂશ કનોજિયા અને રાહુલ મુન્જારિયાએ સંગીત આપ્યું છે. ફિલ્મની વાર્તા અમર હડપ અને ધર્મેશ મહેતાની છે. વિગર મીડિયા કોમ્યુનિકેશનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા ડો. અલ્પેશ પટેલ, હર્ષ પટેલ તથા દૂરદર્શનના ભૂતપૂર્વ નિર્માતા સ્નેહલ ત્રિવેદીની છે.