ગાંધીનગરમાં યોજાયેલા પ્રીમિયરમાં ૨૦૦થી વધુ ગે આવ્યા
P.R
ગુજરાતી ભાષામાં સજાતીય સંબંધો પર આધારિત પ્રથમ ફિલ્મ ‘મેઘધનુષ-ધ કલર ઑફ લાઇફ’નો અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા સિટી પલ્સ થિયેટરમાં પ્રીમિયર યોજાયો. આ પ્રીમિયરમાં સજાતીય સંબંધો ધરાવતા ૨૦૦થી વધારે લોકોએ ભાગ લીધો હતો. ફિલ્મના ડિરેક્ટર કિરણ દેવાણીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં પહેલી વખત એકસાથે આટલી મોટી સંખ્યામાં ગે એક જ સ્થળે એકઠા થયા હતા. ફિલ્મના પ્રીમિયર શોમાં ‘ગે પ્રિન્સ’તરીકે જાણીતા રાજપીપળાના રાજવી પરિવારના સભ્ય માનવેન્દ્રસિંહ ગોહિલ પણ આવ્યા હતા.
કિરણ દેવાણી કહે છે, ‘અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કલોલ અને વડોદરા સહિત ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી ગે આવ્યા હતા. ફિલ્મમાં સજાતીય સંબંધ ધરાવતા લોકો વિશે ફેલાયેલી ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મ આવતા વીકથી અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે.’
માનવેન્દ્રસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મથી સમાજમાં ગે માટે રહેલી ગેરમાન્યતા દૂર થશે. સમાજમાં સજાતીય સંબંધ ધરાવતા લોકો વિશે જે ગેરમાન્યતા છે એ બાબતે લોકોની આંખો ખૂલશે. ગે માટે સમાજની માનસિકતા બદલવી મુશ્કેલ છે, પણ અસંભવ નથી.’
આ ફિલ્મમાં મિત્રેશ વર્મા અને ભૌમિક નાયક નામના ઍક્ટરોએ કામ કર્યું છે.