Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવાજીનું હાલરડું (Shivajinu Halradu)

shivaji maharaj

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

 

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

 

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

 

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -

રહેશે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

 

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -

કાયા તારી લોહીમાં ન્હાશે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

 

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -

તે દી તારે હાથ રહેવાની

રાતી બંબોળ ભવાની….શિવાજીને…

 

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

 

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -

તે દી તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

 

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

 

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -

તે દી તારી વીરપથારી

પાથરશે વીશભુજાળી……શિવાજીને…

 

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

 

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -

જાગી વ્હેલો આવ, બાલુડા !

માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

 

જાગી વ્હેલો આવજે, વીરા !

ટીલું માના લોહીનું લેવા !

 

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

 

 

ઝવેરચંદ મેઘાણી


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

How To Knead Dough- આ રીતે 5 મિનિટમાં લોટ બાંધી શકાય છે, રોટલી પણ બનશે નરમ-નરમ