Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસમાં ટિકિટોના દાવેદારોની સુનાવણી પૂર્ણ, ઉમેદવારોની પસંદગી માટે આજથી સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે

કોંગ્રેસમાં ટિકિટોના દાવેદારોની સુનાવણી પૂર્ણ, ઉમેદવારોની પસંદગી માટે આજથી સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે
, ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (15:55 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા જ કેન્દ્રીય મંત્રીઓના આંટા ફેરા પણ વધ્યાં છે.આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા નવા બે હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂંક કરી દીધી છે. અન્ય રાજ્યોમાંથી ભાજપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. ત્યારે કોંગ્રેસ હજી મુરતિયા પસંદગી માટેની બેઠકોમાં ભરાઈ છે.

ગુજરાતમાં 182 બેઠકો પર કોંગ્રેસના 850થી વધુ દાવેદારો છે. ત્યારે આજથી બે દિવસ માટે અમદાવાદમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી અંગેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. ઓક્ટોબરના અંત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે. ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાઅર્જુન ખડગે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. પ્રચાર અર્થે અમદાવાદ આવનાર ખડગે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક યોજશે.આ ઉપરાંત મત આપવા અપીલ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 409 મતદારો છે. હાલમાં શશી થરૂર અને મલ્લિકાઅર્જુન ખડગેને ગુજરાતમાંથી કેટલા મત મળશે તે કહેવું મુશ્કેલ છે.

આમ આદમી પાર્ટી(AAP)એ બે યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસના નિરિક્ષક અશોક ગેહલોતે એવી જાહેરાત કરી હતી કે 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે. બાદમાં દાવેદારોની સંખ્યા વધી જતાં આ યાદી સપ્ટેમ્બરના અંતમાં જાહેર થશે એવી જાહેરાત કરાઈ હતી. ભારત જોડો યાત્રા અને રાજસ્થાનમાં ગેહલોત તથા સચિન પાઈલટ વચ્ચેની રાજકીય લડાઈ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ઘોંચમાં પડી હતી.ત્યારે આજથી બે દિવસ ઉમેદવારોની પસંદગી માટે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાવાની છે. જેમાં ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી શકે છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ચાર મહિના પહેલાં જ તેના 29 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સમયમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે પણ એવું નિવેદન કર્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, પરંતુ દાવેદારોની સંખ્યા વધી જતાં આખરે સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થવાની હતી, જે રાજસ્થાનની સત્તાની લડાઈ અને કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના મામલે હવે ઘોંચમાં પડી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થયો ત્યારે કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ શકી નથી. જેથી કોંગ્રેસમાં ઉમેદવારો પણ યાદીની રાહ જોઈ રહ્યા છે. ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસ પહેલી યાદીમાં સમાવી લેશે, પરંતુ યાદી જાહેર ન થવાથી તેમની બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે અન્ય કાર્યકર્તાઓને અસમંજસ અનુભવાઈ રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની 182 વિધાનસભાની બેઠકો માટેના દાવેદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરેક ઝોન પ્રમાણે યોજાયેલી સુનાવણીમાં બેઠકદીઠ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. હવે પ્રદેશ ઇલેકશન કમિટી સુનાવણી હાથ ધરશે. દરેક દાવેદારોને પ્રદેશ કક્ષાએ પોતાના બાયોડેટાવાળા એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું જણાવાયું હતું. પ્રાથમિક તબક્કે મળેલાં આ તમામ ફોર્મની ચકાસણી સાથે દાવેદારોની વાત પણ સાંભળવામાં આવી હતી. સુનાવણીમાં પ્રદેશ સેક્રેટરી અને સ્થાનિક નેતાઓ બેઠા હતા. નેતાઓએ દરેક દાવેદારની આર્થિક સ્થિતિ, રાજકીય કદ, સામાજિક પ્રવૃત્તિ, પક્ષમાં તેમની અત્યારસુધીનું કાર્ય સહિતની બાબતોને લઇને મૂલ્યાંકન કર્યુ હતું. કોંગ્રેસ આવતા મહિને પોતાની પ્રથમ યાદી જાહેર કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vande Bharat Express: મુંબઈ- ગાંધીનગરના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસનો થયો એક્સીડેંટ, ભૈંસના ઝુંડથી અથડાવી