ગુજરાતમાં આગામી બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા પેરેમિલિટરી ફોર્સની 600 કંપનીઓને રાજ્યમાં ઉતારવામાં આવી છે. જેથી કુલ મળીને 60000 જેટલા જવાનો રાજ્યમાં ચૂંટણી સંદર્ભે તહેનાત કરવામાં આવ્યા છે. તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સપેક્ટર જનરલની દેખરેખ હેટળ સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષ વ્યવસ્થા યોજવા આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત ફ્રન્ટિયરના આઈજી અજય તોમરે કહ્યું કે, ‘કેન્દ્રીય સુરક્ષા દળોને સપોર્ટ કરવા માટે અમે ખાસ ઇલેક્શન સેલનું નિર્માણ કર્યું છે. તેમજ રાજ્ય પોલીસ વિભાગ સાથે મળીને કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોની તહેનાતી માટે પણ કામ કરી રહ્યા છીએ.’ કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો ઉપરાંત રાજ્યના પોલીસ બેડાના 80000 જવાનોને પણ ચૂંટણી ફરજ પર નિમવામાં આવ્યા છે.તોમરે વધુમાં કહ્યું કે, ‘ચીફ ઇલેક્શન કમિશ્નર એ.કે. જોતી સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યની આંતરરાજ્ય બોર્ડર અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સર્વેલન્સ પણ વધારી દેવામાં આવ્યું છે.’ બીએસએફના સુત્રોએ કહ્યું કે, ‘ચૂંટણીના પગલે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ન થાય તે માટે કચ્છના મર્સી ક્રીક વિસ્તાર સહિતના ભાગોમાં મરીન BSF દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પાછલા એક વર્ષમાં અહીંથી 41 જેટલા પાકિસ્તાની માછીમારોને પકડવામાં આવ્યા છે.’