Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહુડી મંદિરમાં ઉચાપતનો કેસ, માણસા કોર્ટે બંને આરોપી ટ્રસ્ટીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યાં

news of gujarat
ગાંધીનગરઃ , શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:11 IST)
માણસા પોલીસ સ્ટેશનમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોર્યાની ફરિયાદ નોંધાઈ છે
 
ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મંદિરના અન્ય ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોર્યાની ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત આરોપી ટ્રસ્ટીઓ પર મંદિરના ભંડારમાંથી રોકડ રકમની પણ ઉચાપત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માણસા પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરીને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. માણસા કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 
 
વરખનું 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં શંકા ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ તરીકે જાણિતા મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ છે. આ આઠ ટ્રસ્ટીઓમાંથી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઈન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ભગવાનના સોનાનો વરખ વર્ષમાં એક વખત ઉતારવામાં આવે છે. ત્યાર બાદ તેને ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળવામાં આવે છે. આ વખતે આ વરખનું 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં શંકા સેવાઈ હતી.  આ બંને જણાએ મંદિરના ભંડારમાંથી પણ રોકડ રકમની ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. 
 
 સીસીટીવી ફૂટેજમાં હિલચાલ દેખાઈ
આ દરમિયાન સ્ટાફના માણસોને પુછતાં તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા આવ્યા હતાં. તેમણે અમારી હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે અમને બધાને જમવા મોકલી દીધા હતા. અમે જ્યારે જમીને આવ્યા ત્યારે આ બંને ટ્રસ્ટીઓ પાસે બે થેલા હતાં તે ત્યાંથી ગાયબ થયેલ માલુમ પડ્યું હતું. મંદિરના અન્ય ટ્રસ્ટીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતાં આ પ્રકારની હિલચાલ હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું. જેથી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતને ફરિયાદ કરતાં પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ  કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ