Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશભરમાં નરેન્દ્ર મોદીનું બુલડોઝર ફરી વળ્યુઃ વિરોધીઓનો કચ્ચરઘાણ

દેશભરમાં નરેન્દ્ર મોદીનું બુલડોઝર ફરી વળ્યુઃ વિરોધીઓનો કચ્ચરઘાણ
, શુક્રવાર, 16 મે 2014 (13:59 IST)
‘અબ કી બાર, મોદી સરકાર'નો નારો આખરે સાકાર થયો છે. દેશભરમાં નરેન્‍દ્ર મોદીનું વાવાઝોડુ ફરી વળ્‍યુ છે અને તેઓ હવે દેશનાં વડાપ્રધાન બનશે તથા કેન્‍દ્રમાં તેમના નેતૃત્‍વ હેઠળ એનડીએની સરકાર રચાશે. આજે સવારે શરૂ થયેલી મતગણતરીમાં આ લખાય છે ત્‍યારે ભાજપના નેતૃત્‍વ હેઠળના એનડીએને સ્‍પષ્‍ટ બહુમતી મળી ગઇ છે અને દેશભરમાં કોંગ્રેસનાં સુપડાસાફ થઇ ગયા છે. સવારે મતગણતરી શરૂ થતા જ ટ્રેન્‍ડમાં એનડીએ આગળ નીકળી જતા શેરબજારે પણ તેને વધાવ્‍યુ છે અને આજે શેરબજાર ૧૦૦૦ પોઇન્‍ટથી વધુ સાથે ખુલી ૨પ૦૦૦ ઉપર પહોંચી ગયુ છે.
 
   લોકસભાની પ૪૩ બેઠકો માટે આજે સવારે મતગણતરી શરૂ થઇ છે. આ લખાય છે ત્‍યારે ૧૦.૧પ કલાકે કુલ પ૪૩ બેઠકોમાંથી પ૦૮ બેઠકોના ટ્રેન્‍ડ પ્રાપ્ત થયા છે જેમાંથી ભાજપના નેતૃત્‍વ હેઠળના એનડીએ ૩૦૧ બેઠકો ઉપર આગળ છે. જયારે કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળ યુપીએ ૮૦ બેઠકો ઉપર આગળ છે. જયારે અન્‍યો ૧૨૩ બેઠકો ઉપર આગળ છે. ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્‍હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન સહિતના રાજયોમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્‍યુ છે અને તેની નીચે કોંગ્રેસ કચડાઇ ગયુ છે. યુપી અને બિહારમાં ભાજપે ઐતિહાસિક દેખાવ કર્યો છે અને તે સાથે ભાજપે એકલા હાથે ૨૬૦ બેઠકો ઉપર આગળ હોવાનો ટ્રેન્‍ડ આપ્‍યો છે.
 
   દેશભરમાં મોદીની લહેર હોવાનું પુરવાર કરતા આ ટ્રેન્‍ડ અનુસાર ભાજપના નેતૃત્‍વ હેઠળના એનડીએએ સંપુર્ણ બહુમતી મેળવી લીધી છે અને હવે દેશના નવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બનશે અને કેન્‍દ્રમાં એનડીએની સરકાર રચાશે. ચુંટણીમાં કોંગ્રેસે તેના ઇતિહાસનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે. મોટાભાગના રાજયોમાં કોંગ્રેસનો સાવ નબળો દેખાવ થયો છે અને તે ૩ આંકડો પહોંચવામાં પણ નિષ્‍ફળ ગયુ છે. મોદીની સુનામી હેઠળ કોંગ્રેસના અનેક કદાવર નેતાઓને પરાજયનો સામનો કરવો પડે તે મુજબના ટ્રેન્‍ડ મળી રહયા છે.
 
   ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી વડોદરા અને વારાણસીમાંથી તોતીંગ લીડથી આગળ હોવાનું જાણવા મળે છે. વડોદરામાં તેમની લીડ ૨ લાખ ૬૦ હાજર ઉપર હોવાનું જાણવા મળે છે.
 
   મળતા ટ્રેન્‍ડ અનુસાર યુપીમાં કુલ ૮૦ બેઠકોમાંથી ૭૧ના ટ્રેન્‍ડ મળયા છે અને તેમાં પ૨માં ભાજપ ૪માં કોંગ્રેસ સપા-બસપા ૪-૪ ઉપર આગળ છે. જયારે મહારાષ્‍ટ્રમાં ૨૯ બેઠકો ઉપર ભાજપ, શિવસેના અને ૯માં કોંગ્રેસ આગળ છે. બિહારમાં ૧૭ બેઠકો ઉપર એનડીએ અને પાંચ બેઠકો ઉપર કોંગ્રેસ આગળ હોવાનું જાણવા મળે છે.
webdunia
   રાજસ્‍થાનની ૨પ બેઠકોમાંથી ૨૪માં ભાજપ આગળ છે. જયારે ગુજરાતમાં ૨૬ એ ૨૬ બેઠકો ઉપર ભાજપ આગળ છે. કર્ણાટકમાં જે ટ્રેન્‍ડ પ્રાપ્ત થયા છે તેમાંથી ભાજપ ૧૮ અને કોંગ્રેસ ૭માં આગળ છે. તામિલનાડુમાં જયલલીતાનો જાદુ યથાવત રહયો છે અને તે ૩૨નાં ટ્રેન્‍ડમાંથી ૩૦માં આગળ છે. દિલ્‍હીમાં તમામ સાતે-સાત બેઠકો ઉપર ભાજપ આગળ છે. છત્તીસગઢની ૧૧ બેઠકોમાંથી ૧૦માં ભાજપ આગળ છે. કેરળમાં કોંગ્રેસ અને અન્‍યો ૮-૮ બેઠકો ઉપર આગળ હોવાનું જાણવા મળે છે. પ. બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ યથાવત રહયો છે. પરંતુ ભાજપે ત્‍યા સેન્‍ધ લગાવી છે.
 
   આજે ભાજપના નેતૃત્‍વ હેઠળના એનડીએને ઐતિહાસીક વિજય મળતા દેશભરમાં ભાજપની છાવણીમાં જશ્નનું મોજુ ફરી વળ્‍યુ છે અને ઠેર ઠેર ઢોલ-નગારા અને મીઠાઇઓની જયાફત ઉડી રહી છે.
 
   અમેઠીમાં રાહુલ ગાંધી પાછળ હોવાનું જાણવા મળે છે. જયારે લોકદળના અજીત સિંહ ચુંટણી હારી ગયા છે. દેશભરમાં ભાજપના ટોચના નેતાઓ આગળ ચાલી રહયા છે. જયારે કોંગ્રેસના મોટાભાગના નેતાઓને ઘરભેગુ થાવુ પડે તેવા પરિણામો આવ્‍યા છે.
 
   ભાજપના નેતાઓનું કહેવુ છે કે સુખી, સમુધ્‍ધ ભારતનું નિર્માણ થશે અને એક નવા યુગનો પ્રારંભ થશે. અત્રે એ નોંધનીય છે કે નરેન્‍દ્ર મોદીએ લોકોને ૩૦૦ + બેઠકો આપવા અપીલ કરી હતી અને તે અનુસાર ભાજપને બેઠકો મળતી દેખાઇ રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati