Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એસપીજી માથું ખંજવાળે છેઃ જશોદાબેનને નરેન્દ્ર મોદીની નજીકના ગણવા કે દૂરનાં!

એસપીજી માથું ખંજવાળે છેઃ  જશોદાબેનને નરેન્દ્ર મોદીની નજીકના ગણવા કે દૂરનાં!
, શનિવાર, 10 મે 2014 (12:07 IST)
પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાનના પત્નીને પણ તેમના જેટલી જ એસપીજી સુરક્ષા પૂરી પાડવી જરૃરી
 
 
૧૬મી લોકભાની ચૂંટણીના પરિણામને હવે એક સપ્તાહ કરતાં ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે એસપીજીએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો કયા પ્રકારની સલામતી પૂરી પાડવી એ અંગેની વ્યૂહરચના ઘડવાનું શરૃ કરી દીધું છે. પરંતુ એસપીજી માટે એક દ્વિધા એ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો તેમના પત્ની જશોદાબહેનને એસપીજીની સુરક્ષા આપવી કે કેમ? નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા દાયકાઓથી પત્ની જશોદાબહેનથી અલગ રહી રહ્યા છે. પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાનના પત્નીને પણ તેમના જેટલી જ એસપીજી સુરક્ષા પૂરી પાડવી જરૃરી છે.
 
એસપીજીમાં હાલ નરેન્દ્ર મોડી વડાપ્રધાન બને તો તેમને કેવા પ્રકારની સુરક્ષાથી સજ્જ કરવા એ માટે બેઠકનો દોર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આજથી થોડા સમય અગાઉ નરેન્દ્ર મોદીની સુરક્ષા વધુ જડબેસલાક બનાવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ સ્પેશિયલ પ્રોટેક્શન ગૂ્રપ (એસપીજી)ની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે એ સમયે ભાજપની માગને એસપીજી એક્ટ હેઠળ એમ કહી ફગાવી દીધી હતી કે માત્ર વડાપ્રધાન, ભૂતપૂર્વ પ્રધાન અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ એસપીજીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ કારણે નરેન્દ્ર મોદીને એસપીજીની સુરક્ષા મળી શકે નહીં.
નરેન્દ્ર મોદી હાલ ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવે છે અને એનએસજીના કમાન્ડો તેમજ ગુજરાત પોલીસના કર્મીઓ દ્વારા તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી માટે ભાજપે કરેલી એસપીજીની માગને ફગાવાયા બાદ એનએસજીએ તેમની સુરક્ષા પહેલા કરતાં વધુ મજબૂત કરી દીધી છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી માટે તેમના પરિવારના નજીકના સભ્યો માટે એસપીજીની સુરક્ષા માગવી કે કેમ તેની દ્વિધા રહેશે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ રોબર્ટ વાડરાને એસપીજીની સુરક્ષા પૂરી પાડવા બદલ આકરા શબ્દોમાં ટીકા કરી છે.   ૧૯૮૫માં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એસપીજીની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે માત્ર વડાપ્રધાનને જ એસપીજીની સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ એસપીજી એક્ટમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને તેમાં વડાપ્રધાન તેમજ તેમના પરિવારના સભ્યોને પણ આવરી લેવાયા હતા. એનએસજીના કમાન્ડોને બ્લેક કેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનએસજી પાસે ૭૫૦૦ જ્યારે એસપીજી પાસે ૩૫૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ છે.
 
હાલ કોણ કઇ સુરક્ષા હેઠળ?
 
એસપીજી ઃ વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ તેમના પરિવારના નજીકના સભ્યો, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડરા.
એનએસજી ઃ નરેન્દ્ર મોદી, એલકે અડવાણી, મુલાયમસિંહ યાદવ, માયાવતી, રમણસિંહ, રાજનાથસિંહ, કલ્યાણસિંહ, જયલલિતા, ચંદ્રાબાબુ નાયડુ, કરૃણાનીધિ, લાલુપ્રસાદ, ફારૃખ અબ્દુલ્લા, પ્રકાશસિંહ બાદલ
 

Share this Story:

Follow Webdunia gujarati