સાડીઓ ઉપર પણ ન.મો. માટે ચાલશે બ્રાન્ડીંગ
, બુધવાર, 11 ડિસેમ્બર 2013 (16:44 IST)
''
કામ એવું કરો કે ઓળખ બની જાય. દરેક ડગલું એવું ચાલો કે નિશાન બની જાય. આ જિંદગી તો બધા પસાર કરી દે છે, પરંતુ જિંદગી એવી જીવો કે મિશાલ બની જાય...'' આ કોઈ શાયરની ગઝલ નથી, પરંતુ બજારમાં સાડીઓના પેકેટ પર અંકિત નરેન્દ્ર મોદીની તસવીર સાથે લખાયેલી દિલચસ્પ પંક્તિઓ છે. ગુજરાતથી દિલ્હીના રસ્તે હરિયાણાના હિસ્સાર સહિતનાં અન્ય મુખ્ય શહેરોના સાડી બજારમાં પહોંચેલાં સાડીઓનાં આ પેકેટ મહિલાઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. એક પ્રકારે સાડી બજારમાં પણ 'નમો...નમ' સર્જાઈ રહી છે.સાડી બજારમાં 'નમો...નમો' થવાથી ભાજપને જ્યાં મહિલા મતદારોની વચ્ચે પ્રચાર મળી રહ્યો છે ત્યાં દુકાનદારો પણ આવી સાડીઓના ભારે વેચાણથી ખુશખુશાલ છે. ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ગ્રાહક સંસ્કૃતિનાં પણ મૂળિયાં ઘૂસતાં જાય છે, જેનું પ્રતિફળ વિભિન્ન બજારોમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતની કેટલીક સાડી નિર્માતા કંપનીઓએ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે લોકસમર્થન મેળવવાનું જાણે કે બીડું ઉઠાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યનાં સુરત અને અન્ય શહેરોની કંપનીનાં સાડીઓનાં પેકેટ પર અંકિત નરેન્દ્ર મોદીની તસવીર તેમજ ભાજપના સમર્થનમાં રખાયેલા સ્લોગન આ બાબતનો ઇશારો કરે છે. આ પ્રચાર યુદ્ધ એ પ્રકારનું છે કે સાડીઓ પર લગાવાયેલા સ્ટિકર પર 'મોદી લાવો, દેશ બચાવો'નો ઉલ્લેખ કરાયો છે.હિસ્સારમાં રાજગુરુ માર્કેટ સ્થિત એક દુકાનના સંચાલક રામનિવાસ રાઠી કહે છે, ''પેકેટ પર નરેન્દ્ર મોદીની તસવીર સાથેની આ સાડીઓ તે દિલ્હીના હોલસેલ વેપારી પાસેથી લાવે છે. દિલ્હીમાં આ સાડીઓ ગુજરાતથી મંગાવવામાં આવે છે. નરેન્દ્ર મોદીનો ટેગ ધરાવતી સાડીઓની કિંમત રૃ. ૭૦૦થી ૨૦૦૦ સુધીની છે. સાડીઓની માગણી સતત વધતી જાય છે. હું પોતે નરેન્દ્ર મોદીની તસવીર ધરાવતા પેકેટમાં બંધ એક ડઝન સાડી દરરોજ વેચું છું.''રાઠીના કથનમાં અતિશયોક્તિ નથી. આ દુકાન પર ઊભેલી એક મહિલા પોતાની પસંદ પર ગર્વ કરતાં ગજબનો તર્ક આપે છે. આ મહિલા કહે છે, નરેન્દ્ર નરેન્દ્ર મોદી ભાજપના નહીં, પરંતુ પૂરા દેશના નાયક છે. મહિલાઓ પણ તેમની જીતમાં પોતાનું હિત જુએ છે. આ સંજોગોમાં આજકાલ દરેક જગ્યાએ 'નમો...નમો' થઈ રહ્યું છે તો બજાર પણ કેમ કરીને અળગું રહી શકે? હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રો. રામવિલાસ શર્મા કહે છે, ''સાડી બજારમાં મોદીની તસવીર ધરાવતાં પેકેટનું વેચાણ થવું એ બાબતની સાક્ષી આપે છે કે મોદીનો જાદુ ચારે તરફ છવાયો છે. તેમની લોકપ્રિયતા સમાજના દરેક વર્ગમાં સતત વધતી જાય છે.''