Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ લઇ જતી બસને નડ્યો અકસ્માત, 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ લઇ જતી બસને નડ્યો અકસ્માત, 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
, સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (11:55 IST)
ગુજરાતમાં વધુ એકવાર પિકનિક પર જતી સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોને લઈ જતી લક્ઝરી બસ ચીખલી નજીક પલટી ખાઈ જતાં બસમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. બસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 23 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ડાંગના સાપુતારા ખાતે પ્રવાસ માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વહેલી સવારે નીકળ્યા હતા. આ બસ આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ચીખલી નજીક વળાંક લેતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં પલટી ખાઇ ગઇ હતી અને રોડ બાજુએ ઉતરી જતાં એકદમ ધડાકાભેર અવાજ થયો હતો. જેને લીધે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.
 
બસ પલટી જવાને કારણે બાળકોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. જેને કારણે તાત્કાલિક સ્થાનિકોએ ભેગાં થઈ બાળકોને બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઈજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુરતના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોના પ્રવાસની બસને સાપુતારામાં અકસ્માત નડ્યો હતો. આશરે 200 ફૂટ ઉંડી ખીણમાં લક્ઝરી બસ ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તમામ મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારવાર માટે એક લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના: જવેલર્સોને ત્યાં આવક વેરા વિભાગના દરોડા, બિનહિસાબી સોનુ-નાણા મળી આવ્યા