ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરીગામે રહેતા શ્રમજીવી પરિવારના માસુમ બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી હત્યા કરી લાશ 30થી 35 ફુટ ઊંચા પાણીના ટાંકામા ફેંકી ફરાર થઈ જતાં નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના ખોડવદરીગામના જુસબ બુકેરા તેની પત્ની શબાના તથા બે પુત્ર અને એક પુત્રી સાથે ગારીયાધાર શહેરમાં આવેલી બાગે અમન સોસાયટીમાં રહે છે અને જુસુબની માતા ખોડવદરી ગામે રહે છે. જુસબ બાઈક પર તેની માતા સુભાનબાનુ તથા નવ વર્ષીય પુત્ર સલીમને લઈને ખોડવદરીગામે ગયો હતો, જયાં માતા-પુત્રને તેના ઘરે મૂકી જુસબ મજૂરી કામે જતો રહ્યો હતો.આ દરમિયાન સલીમ ગામમાં બાળકો સાથે રમતો હતો અને બપોર થતા ઘરે ન આવતા સુભાનબાનુએ સલીમની શોધખોળ માટે નીકળ્યા હતા, પરંતુ સલીમનો કયાય અત્તોપતો ન લાગતા તેણે પુત્રવધૂ શબાનાને સલીમ ગુમ થયો હોવાની કોલ કરી જાણ કરતા શબાનાએ પતિ જુસબને જાણ કરતા પતિ પત્ની તથા અન્ય પરીજનો હાંફળા-ફાફળા ખોડવદરીગામે દોડી આવ્યા હતા અને સલીમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડીરાત સુધી માસુમ બાળકનો કોઈ અત્તોપતો ન લાગતા શબાનાએ તેના પુત્ર સલીમનુ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાંની ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાચા પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી. આ સાથે ખોડવદરી ગામના યુવાનો પણ છેલ્લા બે દિવસથી દિવસ-રાત શોધી રહ્યા હતા. આસપાસના ગામડા-સીમ કુવા તથા નદી નાળા અને અવાવરું સ્થળોએ સઘન તપાસ બાદ પણ સલીમની કોઈ જ ભાળ મળી ન હતી.આ બાદ ગતરાત્રિના સમયે ગામમાં આવેલી ઓવરહેડ ટાંકા નીચેથી અપહ્યત બાળકના ચપ્પલ તથા કપડાં મળી આવતા ગ્રામજનોએ જમીનથી 30થી 35 ફૂટની ઉંચાઈએ આવેલા પાણીથી અડધા ભરેલા ટાંકામાં તપાસ કરતા આ ટાંકામાંથી અપહરણ કરાયેલા બાળકની લાશ જોવા મળી હતી. જેથી લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને બહાર કાઢી કબ્જો લઈ પંચનામું કરી લાશના પેનલ પીએમ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં મોકલી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ભાવનગર એસપી ડો.હર્ષદ પટેલએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામમાંથી 9 વર્ષનો બાળક સાંજે પરત ન આવતા ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આજે તપાસ હાથ ધરતા બંધ હાલત ટાકામાંથી લાશ મળી આવતા પોલીસે મૃતદેહને સર ટી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.