તમે માણસો વચ્ચે દુશ્મનાવટ અને ગેંગ વોરની ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ હશે. પરંતુ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આ દિવસોમાં પ્રાણીઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. અહીંના એક ગામમાં કૂતરા અને વાંદરાઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 80થી વધુ ગલુડિયાઓના મોત થયા છે. તમામ પ્રયાસો છતાં આ લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના માજલગાંવના લવુલ ગામની છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યુદ્ધ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. જ્યારે વાંદરાઓ કૂતરા પર હુમલો કરે છે, ત્યારે કૂતરાઓ વાંદરાઓ પર હુમલો કરે છે. આ યુદ્ધમાં કૂદવામાં પારંગત વાંદરાઓ ભારે પડી રહ્યા છે. તક મળતાં વાંદરાઓ કૂતરાંનાં બચ્ચાંને લઈને ઊંચા સ્થાનો પર ચઢી જાય છે અને ત્યાંથી તેમને ફેંકીને મારી નાખે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે કેટલાક કૂતરાઓએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યા.