ત્રીજી અને સિરીઝની છેલ્લી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને પરાજય આપીને 3-0થી ટેસ્ટ સિરીઝ પોતાને નામ કરી લીધી છે.
IND vs NZ: ત્રીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ભારતે જીતવા માટે 148 રન કરવાના હતા, પરંતુ ભારતીય બૅટ્સમૅન આટલા રન બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.
ભારતીય બૅટ્સમૅનોની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે આઠ બૅટ્સમૅનનો સ્કૉર બે આંકડે પણ નહોતો પહોંચ્યો.
સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 121 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. આમ ત્રીજી ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડનો 25 રને વિજય થયો છે.
આમ ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે પહેલી વખત 3-0થી રકાસ થયો છે.
ઋષભ પંતે 64 રનની ઇનિંગ રમીને ભારતીય આંકડાને સન્માનજનક સ્તરે પહોંચાડ્યો હતો. આમ બાકીના નવ ખેલાડીઓ કરતાં વધુ રન પંતે ફટકાર્યા હતા.
કૅપ્ટન રોહિત શર્મા બીજા ક્રમે રહ્યા હતા. તેમણે 11 રન બનાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડ તરફથી એઝાઝ પટેલે છ વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે મૅચની શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડની ટીમે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા.
એ પછી ભારતીય ટીમે તેના પહેલા દાવમાં 263 રન બનાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડની ટીમે તેની બીજી ઇનિંગમાં 174 રન બનાવ્યા હતા.
ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ બંને ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ભારતે બેંગલુરુ અને પુણેની મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે બેંગલુરુની ટેસ્ટ મૅચ આઠ વિકેટે ગુમાવી હતી. પુણેની મૅચમાં ભારતનો 113 રનનો પરાજય થયો હતો. ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે.
મૅચમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું, "એક સિરીઝ કે ટેસ્ટ મૅચમાં પરાજય સરળ નથી હોતો. તે સહેલાઈથી પચાવી શકાય તેમ નથી. અમે સારી રીતે નથી રમ્યા."
"પહેલી બંને મૅચની પહેલી ઇનિંગ્સમાં અમે પૂરતા રન નહોતા બનાવ્યા. આ મૅચમાં અમારી પાસે લીડ હતી અને તેને જીતી શકાય એમ હતો."
"ન્યૂઝીલૅન્ડની ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું. એ સ્વીકારવું રહ્યું કે અમે ઘણી ભૂલો કરી છે."
રોહિત શર્માએ કહ્યું કે બૅટ્સમૅન તરીકે તેમણે સારું પ્રદર્શન નહોતું કર્યું, તેમની કોઈ યોજનાઓ કામ ન આવી. ટીમે સામૂહિક રીતે સારું પ્રદર્શન ન કર્યું, જેના કારણે ન્યૂઝીલૅન્ડ સામે પરાજય થયો.