ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં 24 કલાકમાં 365 નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ 9,267 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 566 અને 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી બચીને રહેલો અમરેલી જિલ્લો ગુજરાતમાં નોંધાયેલા પહેલા કેસ પછી છેક 8મા સપ્તાહે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બુધવારે ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા પ્રમાણે વધુ 29 લોકોના મોત થયાં છે. આ 29 દર્દો પૈકી સાત દર્દીઓ માત્ર કોવિડના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. બાકીના 22 લોકોને સામાન્યથી માંડીને ગંભીર પ્રકારની બિમારી હતી. સરખેજ હાઈવે પર ચાલી રહેલા સિક્સલેન હાઈવે સહિતના કામોનું નિરીક્ષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે બપોરે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા રંગરૂપ સાથેના લોકડાઉન 4 અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.