ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 45 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 617 પર પહોંચ્યો છે. જેની માહિતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે.
અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કેસ અને કોરોના વાયરસની અસર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેસ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ કુલ 617 કેસ રાજ્યમાં નોંધાયા છે. આજે અમદાવાદના 1 20 વર્ષીય દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 351 કેસ નોંધાયા છે. તો 9 લોકો હાલ વેન્ટિલેટર પર છે.
વધુ એક જિલ્લામાં કોરોનાની એન્ટ્રી
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો ત્યારે કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઇ ન હતી. તેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે બનાસકાંઠા પણ બાકાત રહ્યો નથી. બનાસકાંઠામાં કોરોના સંક્રમણ ન ફેલાઇ તે વહીવટી તંત્ર દ્વારા દિવસ રાત ખડેપગ રહી મહેનત કરી રહ્યું છે. ગામડે ગામડે નાકાબંધી કરવામાં આવી છે છતા પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સૌપ્રથમ બે કેસ સામે આવ્યા છે. એકસાથે બે કેસ આવતા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પાલનપુર અને વાવ તાલુકામાં કોરોનાએ પગપેસારો કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 5 વર્ષના બાળક અને 55 વર્ષના વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવતાં યુધ્ધના ધોરણે તપાસ શરૂ થઈ છે. ગામમાં જડબેસલાક લોકડાઉન કરી સઘન તપાસ હાથ ધરી છે.
ગુજરાતના આ શહેરોમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પેરા મિલિટરી દળની ટીમો ઉતારી
ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ અવિરત કામ કરે છે તેમાં નાગરિકોનો સહયોગ જરૂરી છે. લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે.
જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે. કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
હવે આ શહેરો માસ્ક પહેરવું ફરજિયાત
અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યુ છે ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો માસ્ક નહીં પહેરો તો રૂા. 5000નો દંડ કરવામાં આવશે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરતમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.