કોરોના સંક્રમણ માટે મુખ્ય પરિબળ ગણવામાં આવે છે તેવા ૩૩૪ 'સુપર સ્પ્રેડર'અત્યારસુધી અમદાવાદમાંથી મળી આવ્યા છે. તમામ શંકાસ્પદ 'સુપર સ્પ્રેડર'નું સ્ક્રીનિંગ આગામી બુધવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 'સુપર સ્પ્રેડર્સ' એવા લોકો છે જેઓ એકસાથે અનેક લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે છે. જેમાં શાકભાજીના વેપારી, દૂધ વેચનારા, પેટ્રોલ પંપ અટેન્ડેન્ટ, કચરો એકત્ર કરનારાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'અમદાવાદમાં સૌથી વધુ જોખમ ધરાવતા ૧૪ હજાર સુપર સ્પ્રેડર્સ છે. અમે આ તમામનું આગામી ત્રણ દિવસમાં સ્ક્રીનિંગ કરવાનું નક્કી કર્યું છે. આ જ કારણથી કરિયાણું-શાકભાજીનું વેચાણ અમે બંધ કરાવ્યું હતું. ' અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ એપ્રિલથી અત્યારસુધીમાં સુપર સ્પ્રેડર્સના ૩૧૮૭ સેમ્પલ લેવાયા છે અને તેમાંથી ૩૩૪ના રીપોર્ટ પોઝિટિવ આવેલા છે. એડિશ્નલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂધ-દવાની તમામ દૂકાન બંધ કરાવવાની જાહેરાત બાદ અત્યારસુધીમાં ૨ હજાર શંકાસ્પદ સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરાયું છે. આગામી બુધવાર સુધીમાં સ્ક્રીનિંગની આ કામગીરી પૂર્ણ કરાશે. ' અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને તમામ દૂકાન-સુપર માર્કેટના માલિક, કર્મચારીઓ માટે તેમના સંલગ્ન વોર્ડમાં સ્ક્રીનિંગ ફરજીયાત કરેલું છે. આ સ્ક્રીનિંગ બાદ તેના પરિણામને આધારે તેમને 'હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ' આપવામાં આવે છે.