ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે, જેને પગલે નિયંત્રણો પણ વધુ ને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. લગ્ન અને જાહેર સમારંભોમાં હવે વ્યક્તિની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી છે. સરકાર એની સાથે સાથે આરોગ્ય સંબંધિત નિર્ણયો પણ કરવા લાગી છે.
માત્ર એટલું જ નહીં, દવાઓના ઓર્ડર પણ આપી રહી છે. રાજ્ય સરકારે 1000 પોસાકોનાઝોલ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે તેમજ બે વર્ષ માટે 50 લાખ સિરિન્જનો પણ ઓર્ડર આપી દીધો છે. બીજી લહેર સમયે સંક્રમણ લાગ્યા બાદ કેટલાક દર્દીઓ મ્યુકરમાઇકોસિસનો શિકાર બન્યા હતા, જેમાંથી અનેકનાં જડબાં, દાંત અને તાળવા પણ કાઢવા પડ્યાં હતાં તેમજ મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શન અને દવાની પણ ખૂબ જ તંગી ઊભી થઈ હતી, જેને કારણે દર્દીઓ દવા બ્લેકમાં ખરીદવા માટે મજબૂર થયા હતા.
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીનાં મોત થયાં છે.અમદાવાદ શહેરના લાલદરવાજા ખાતેની વડી કચેરીમાં પુરવઠા વિભાગ હસ્તકના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીમાં અન્ન નિયંત્રક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરો કોરોના સંક્રમિત થયા. પુરવઠા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતા લાલદરવાજા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં રેશનકાર્ડ અને તેને લગતી અન્ય કામગીરી પર અસર પડી છે.
કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ કોરોનાના લક્ષણો હોવાની આશંકાને લઈને તેઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેથી હજુ કેટલાક કર્મચારીઓ પોઝિટિવ આવવાની શક્યતા છે. બીજી તરફ શહેરના અનેક વ્યાજબી ભાવના રેશન સંચાલકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.