Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીલંકામાં ફરી ઍલર્ટ, વિસ્ફોટક ભરેલી ટ્રક શહેરમાં દાખલ થયાની માહિતી

શ્રીલંકામાં ફરી ઍલર્ટ, વિસ્ફોટક ભરેલી ટ્રક શહેરમાં દાખલ થયાની માહિતી
, મંગળવાર, 23 એપ્રિલ 2019 (18:14 IST)
શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું અને આવા હુમલા અંગે પોલીસને આશંકા પણ વ્યક્ત કરી હતી.
 
બ્લાસ્ટના ત્રણ દિવસ બાદ ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે. ઉલ્લેખનીય છે કે આઈએસ દ્વારા કરાયેલા અગાઉના હુમાલાની જવાબદારી થોડી જ કલાકોમાં તેમના ન્યૂઝ પોર્ટલ 'અમાક' મારફતે જાહેર કરી દેવામાં આવે છે. જોકે, બીબીસી સ્વતંત્ર રીતે ઇસ્લામિક સ્ટેટના આ દાવાની ખરાઈ કરતું નથી.
 
બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  સમગ્ર દેશમાં ત્રણ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ અણબનાવ ન બને એટલા માટે કટોકટી લાદી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં અત્યારસુધી 310 લોકોનાં મોત થયાં છે. યુનિસેફના પ્રવક્તા ક્રિસ્ટોફે બોલીરેકનો હવાલો આપી સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું કે શ્રીલંકાના બૉમ્બ બ્લાસ્ટના મૃતકોમાં 45 બાળકો પણ છે. કોલંબો સ્થિત બીબીસી તમિલના સંવાદદાતાએ પોલીસના હવાલાથી જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક લારી અને ટ્રક શહેરમાં દાખલ થયાં છે. કોલંબોની જનતા અને તમામ પોલીસ સ્ટેશનને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
 
રાષ્ટ્રપતિ સિરીસેનાના સલાહકાર શિરાલ લકથિલાકાએ બીબીસીને કહ્યું કે સરકાર તરફથી કોઈ ચૂક થઈ છે કે નહીં તે અંગે જાણ થશે. આ પહેલાં શ્રીલંકાના એક વરિષ્ઠ મંત્રી રજિત સેનારત્નેએ કોલંબો ખાતે પત્રકારોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીએ આવા હુમલા અંગે અગાઉથી સચેત કર્યા હતા પરંતુ આ સૂચના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી નહોતી.
 
 
પોલીસ અનુસાર 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હુમલા પાછળ કોનો હાથ છે એ બહાર નથી આવી શક્યું. ધરપકડ કરાયેલા માત્ર નવ લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા, જેઓ વેલ્લમપટ્ટીની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટો કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવવામાં આવ્યા છે.
સરકારે આ અંગે સ્થાનિક ઉગ્રવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનું નામ લીધું છે.
 
અગાઉ આજે શ્રીલંકાના કોલંબોમાં એક ચર્ચની બહાર વધુ એક બૉમ્બ વિસ્ફોટ થયો છે. સૅન્ટ એન્થની ચર્ચની બહાર એક શંકાસ્પદ વાનમાં આ વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. વિસ્ફોટ પછી લોકો દહેશતમાં ભાગતા જોવા મળ્યા. રવિવારે થયેલા બૉમ્બ વિસ્ફોટમાં આ જ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું હતું. સત્તાધિકારીઓએ ઘટનાસ્થળ નજીક હાજર બીબીસી તમિલ સેવાના કન્ટ્રિબ્યૂટરને બૉમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમે જ આ બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આપી છે
 
બીબીસી સિંહાલા સેવાના પત્રકાર આઝમ અમીને પણ આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરો દ્વારા વપરાશમાં લેવામાં આવેલું વાહન ફૂંકી માર્યું હોવાનું પોલીસ જણાવે છે. શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 310 લોકોનાં મોત થયાં છે અને લગભગ 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 31 વિદેશી નાગરિકો પણ સામેલ છે. શ્રીલંકામાં આને પગલે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ કટોકટી આજે રાતથી લાગુ થશે.
 
કાર્યાલયે એમ પણ કહ્યું કે કટોકટીનો હેતુ લોકોની અભિવ્યકિતને મર્યાદિત કરવાનો નહીં પરંતુ ઉગ્રવાદને નિશાન બનાવાનો છે. કાલે શ્રીલંકામાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોલંબોથી બીબીસી સિંહાલા સેવાના પત્રકાર આઝમ અમીને જાણકારી આપી છે કે પોલીસે માવાથા ખાનગી બસ મથકના એક બુરજમાંથી 87 ઓછી વિનાશ ક્ષમતા ધરાવતા ડેટોનેટર્સ મળી આવ્યા છે.
 
 
શ્રીલંકા અત્યાર સુધીની માહિતી
 
અત્યાર સુધી આઠ બૉમ્બ બ્લાસ્ટ થયા
બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયાં
310 લોકોનાં મોત, 500 ઘાયલ
40 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ
ત્રણ ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ
કોલંબોમાં ચાર હોટલ અને એક પ્રાણીસંગ્રહાલય પાસે બ્લાસ્ટ
કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
સરકારે કહ્યું કે આત્મઘાતી હુમલો, વિદેશમાં રચવામાં આવ્યું કાવતરું
સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો
આ મામલામાં અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે સંપર્કો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
 
હુમલા બાદ સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
 
શ્રીલંકાના સંરક્ષણમંત્રી આર. વિજયવર્ધનનું કહેવું છે, "આ આત્મઘાતી હુમલો છે. ગુપ્તચર સંસ્થાઓએ હુમલા વિશે સૂચિત કર્યા હતા. જોકે, તેને રોકી શકીએ તે પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયા હતા."
 
કોણ છે હુમલાખોર?
 
આ હુમલો કોણે કર્યો છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. ધરપકડ કરાયેલા લોકો વિશે પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.
 
શ્રીલંકાના દૂરસંચારમંત્રી હરિન ફર્નાન્ડોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પાસે આજે થયેલા હુમલાઓ અંગે ગુપ્ત માહિતી હતી.
 
તેમણે કહ્યું, "આ ગુપ્ત માહિતી અંગે વડા પ્રધાનને જાણ કરવામાં આવી ન હતી. કૅબિનેટમાં એવા સવાલો પણ ઊઠ્યા હતા કે આ રિપોર્ટને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો."
 
તેમણે કહ્યું, "ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાર પ્રકારના હુમલાઓ થઈ શકે છે."
 
"આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થઈ શકે છે, હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે, ચાકુ દ્વારા હુમલો થઈ શકે છે અથવા વિસ્ફોટકોથી ભરેલા ટ્રક દ્વારા હુમલો થઈ શકે છે."
 
"આ રિપોર્ટમાં કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓનાં નામોનો પણ ઉલ્લેખ છે. તેમના ટેલિફોન નંબર પણ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે."
 
"એ નવાઈ પમાડે તેવી વાત છે કે ગુપ્તચર સંસ્થાઓ પાસે આ રિપોર્ટ હતો પરંતુ કૅબિનેટ કે વડા પ્રધાનને જાણ ન હતી."
 
ફર્નાન્ડોએ કહ્યું, "આ રિપોર્ટ એક દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ હવે અમારી પાસે છે. આ રિપોર્ટમાં કેટલાંક નામોનો પણ ઉલ્લેખ છે. તેમાં કેટલાંક સંગઠનોનાં નામો પણ છે."
 
"હાલ તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને અમે એ લોકો સુધી પહોંચી જઈશું જે લોકો આ હુમલામાં સામેલ છે."
 
 
બ્લાસ્ટ થવાનો ડર
 
લોકોમાં એ વાતનો ડર છે કે આવનારા દિવસોમાં પણ આવા હુમલાઓ થઈ શકે છે.
 
શ્રીલંકામાં અત્યાર સુધી કુલ આઠ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. ઇસ્ટર સન્ડેના રોજ ચર્ચ અને હોટલોને નિશાન બનાવાયાં હતાં.
 
આઠમા વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા. આ વિસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે પોલીસ અધિકારીઓ કોલંબોના એક ઘરની તલાશી લઈ રહ્યા હતા.
 
અત્યાર સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ વિસ્ફોટ બૉમ્બ નિષ્ક્રિય કરવાની કોશિશ દરમિયાન થયો હતો કે નહીં.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉમરપાડામાં ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટને લાકડી-ડંડાથી માર્યો માર