Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2020: સંજુ સેમસનને લૉકડાઉનમાં કરેલી એ પ્રેક્ટિસ, જેનાથી નવ છગ્ગા ફટકાર્યા

IPL 2020: સંજુ સેમસનને લૉકડાઉનમાં કરેલી એ પ્રેક્ટિસ, જેનાથી નવ છગ્ગા ફટકાર્યા

તુષાર ત્રિવેદી

, બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (12:41 IST)
સંજુ સેમસનનું પાવર હિટિંગ, સ્મિથનું આક્રમણ, આર્ચરનો ઝંઝાવાત એટલે રાજસ્થાનનો રૉયલ વિજય. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ લાચાર બની ગયા, આઇપીએલની સિઝનમાં પહેલી વાર 200નો આંક પાર.
 
"મારો ગેમ પ્લાન યથાવત રહ્યો હતો અને તે અમલમાં પણ મુકાયો હતો. મારી સરળ યોજના હતી. મારા લક્ષ્યાંક ખાસ મોટા નહોતા."
 
"બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું હતું કે જે બૉલ તમારી રેન્જમાં હોય તો તેને ફટકારવો જ જોઈએ અને બરાબર આમ જ કર્યું, જેનાથી મારી ટીમને લાભ થયો."
 
આ વાત મંગળવારે રાજસ્થાન રૉયલ્સને ભવ્ય વિજય અપાવનારા સંજુ સેમસને કહી હતી.
 
'ઇન્ડિયન પ્રીમિયર લીગ'માં મંગળવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ટી20 ક્રિકેટ મેચમાં રાજસ્થાનની ટીમે 'રૉયલ રમત' દાખવી હતી અને 16 રનથી વિજય હાંસલ કર્યો હતો.
 
વર્તમાન સિઝનમાં રાજસ્થાન એવી પહેલી ટીમ બની જેણે 200નો આંક વટાવ્યો. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ 200 રન કર્યા હતા પરંતુ રાજસ્થાન કરતાં તેનો સ્કોર 16 રન ઓછો હતો.
 
સંજુ સેમસને મેચ બાદ કબૂલ્યું હતું, "પાવર હિટિંગ પર ઘણો બધો આધાર છે અને રેન્જ હિટિંગ એ સમયની ડિમાન્ડ છે. બૉલ તમારી નજીકમાં હોય અથવા બૅટની રેન્જમાં હોય તો તેને ફટકારવો જ જોઇએ અને કોરોના બાદના લૉકડાઉનમાં મેં આ જ પ્રેક્ટિસ કરી હતી અને મારી આ ક્ષમતા વિકસાવી હતી. દરેક બૅટ્સમૅન પોતાની વિકેટ બચાવવા માગતો હોય છે અને તે ખાસ કરીને દોડવાનું પસંદ કરતો નથી."
webdunia

અલભ્ય સ્ટ્રાઇક રેટ
 
ટૉસ જીતીને હરીફ ટીમને પહેલા બૅટિંગ કરવાનું આમંત્રણ આપવું તે આજકાલ ફેશન થઈ ગઈ છે અથવા તો સમયની માગ લાગે છે કેમ કે ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પણ મંગળવારે આમ જ કર્યું હતું.
 
મૅચની ત્રીજી જ ઓવરમાં પ્રતિભાશાળી યશસ્વી જયસ્વાલ આઉટ થઈ ગયા જે કદાચ ધોનીની ટીમના બૉલરો માટે સારી નિશાની નહોતી કેમ કે અહીં સંજુ સેમસનનું વિકેટ પર આગમન થયું હતું.
 
તેમણે પોતાના કૅપ્ટન સ્ટિવ સ્મિથ સાથે મળીને માત્ર 68 બોલમાં જ 121 રન ઝૂડી નાખ્યા હતા.
 
સેમસને તો નવ સિક્સર ફટકારી દીધા. તેમનો સ્ટ્રાઇક રેટ 231.25નો રહ્યો હતો. આવો સ્ટ્રાઇક રેટ 50થી વધારે રન ફટકારનારા બૅટ્સમૅન માટે અલભ્ય હોય છે.
 
47 બૉલમાં 69 રન આમ તો ઘણા પ્રભાવી કહેવાય પરંતુ સેમસનના ઝંઝાવાત સામે સ્મિથનો આ સ્કોર પણ વામણો બની ગયો હતો.
 
સંજુ સેમસને માત્ર 19 બૉલમાં જ અડધી સદી પૂરી કરી દીધી હતી જે યુએઈમાં રમાયેલી આઈપીએલની મૅચોમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી હતી. અગાઉ 2014માં ડૅવિડ મિલરે પણ 19 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
 
આવા શાનદાર પ્રારંભ છતાં ડેવિડ મિલર, રાહુલ તિવેટીયા, રૉબિન ઉથપ્પા અને પ્રિયમ ગર્ગ સસ્તામાં આઉટ થઈ જતાં રાજસ્થાન રૉયલ્સનો મિડલ ઑર્ડરમાં ધબડકો થયો અને એક સમયે તો ટીમના 200 રન પણ શક્ય લાગતા ન હતા
 
પરંતુ આ તબક્કે જોફરા આર્ચરને કેમિયો કર્યો.
 
લુંગી ઍગિડીએ ફેંકેલી છેલ્લી ઓવરમાં તેમણે સળંગ ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી દીધી હતી. આર્ચરે માત્ર આઠ બૉલ જ બૅટિગ કરી હતી અને 337.50ના સ્ટ્રાઇક રેટથી ચાર સિક્સર સાથે 27 રન ફટકાર્યા હતા.
 
217 રનના ટારગેટ સામે જે રીતે ચેન્નાઈએ બૅટિંગ કરી હતી તેનાથી પણ એક આશા જાગી હતી કે આ ટારગેટ પણ ચૅઝ થઈ શકે છે.
 
શૅન વૉટ્સને 21 બૉલમાં ચાર સિક્સર ફટકારી દીધી હતી પરંતુ તેની ઇનિંગ્સ 33 રનના અંગત સ્કોરે અટકી ગઈ હતી તો ડુપ્લૅસિસે કમાલની બૅટિંગ કરી હતી.
 
એમ લાગતું હતું કે તે એકલા હાથે જ સુપર કિંગ્સને મેચ અપાવી શકે તેમ છે. સાઉથ આફ્રિકન બૅટ્સમૅને સાતસાત સિક્સર ફટકારી હતી અને 37 બૉલમાં જ 72 રન ફટકારી દીધા હતા.
 
જ્યારે ધોનીએ બૅટ બદલ્યું
 
કૅપ્ટન ધોનીએ પણ ઇનિંગ્સના અંત ભાગમાં 17 બૉલમાં અણનમ 29 રન ફટકાર્યા હતા, જેમા ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.
 
છેલ્લે ચાર બૉલમાં અશક્ય એવા 36 રન કરવાના હતા ત્યારે ધોનીએ આશ્ચર્યજનક રીતે બૅટ બદલ્યું હતું અને ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી દીધી હતી જે ધોનીની અગમચેતી દર્શાવે છે કેમ કે તેમણે પરાજયનું અંતર ઘટાડી નાખ્યું હતું. આ ભવિષ્યમાં નેટ રનરેટની ગણતરી વખતે કામ લાગી શકે છે.
 
ધોની માટે નિરાશાજનક બાબત તેમના બૉલરો રહ્યા હતા. પીયૂષ ચાવલાએ ચાર ઓવરમાં 55 રન આપ્યા તો એટલી જ ઓવરમાં લુંગી ઍંગિડીએ 56 અને રવીન્દ્ર જાડેજાએ 40 રન આપ્યા હતા.
 
આઈપીએલની એક મેચમાં સૌથી વધુ સિક્સર
ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે મંગળવારે રમાયેલી આઈપીએલની ટી20 ક્રિકેટ મેચમાં બંને ટીમે મળીને સિક્સરનો વરસાદ વરસાવી દીધો હતો.
 
બંને ટીમે મળીને 33 સિક્સર ફટકારી હતી. જે આઈપીએલમાં સંયુક્ત વિક્રમ છે. અગાઉ બેંગલોર અને ચેન્નાઈએ 2018માં એક જ મેચમાં 33 સિક્સર ફટકારી હતી.
 
આઈપીએલમાં બંને ટીમે મળીને ફટકારેલી સર્વોચ્ચ સિક્સરની યાદી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનો આ બ્રિજ બન્યો સુસાઇડ બ્રિજ, બે દિવસો આટલા લોકોને કરી આત્મહત્યા