'
સર સયાજીરાવ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન યોગ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝીક એન્ડ એલાઇડ સાયન્સીસ' (યોગનિકેતન) દ્વારા વિશ્વ પ્રખ્યાત યોગ ગુરુ અને હિંદુ ધર્મ ગ્રંથો, વેદો, ઉપનિષદો તથા યોગ વિશે સેંકડો પુસ્તકો લખનાર ભાણદેવજીની પ્રાણાયામ અને ધ્યાન વિષય પર સાત દિવસની શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સેંકડો શિબીરાર્થીઓ યોગનિકેતન ખાતે તેમની આ શિબીરનો લાભ લઇ રહ્યાં છે. શિબીરના પ્રથમ દિવસે ભાણદેવજીએ તમામ શિબીરાર્થીઓને પ્રાણાયામ વિશે માહીતી આપતાં જણાવ્યુ હતું કે 'પ્રાણાયામનો અર્થ ખોટો ન કરવો જોઇએ.
પ્રાણાયામ એ કોઇ શ્વાસની કસરત કે શ્વાસાયામ નથી એ પ્રાણનો સંચાર છે માટે તેને પ્રાણાયામ કહે છે. યોગમાં પ્રાણાયામનું ખુબ મહત્વ એટલે છે કે ધારણા, ધ્યાન અને સમાધિનું તે પ્રવેશ દ્વાર છે. પ્રાણાયામ કરતી વખતે ખુબ જ સાચી રીત હાજર હોવી જરુરી છે. જો સાચી રીતે પ્રાણાયામ થાય તો તે અશુધ્ધી બાળે છે.
પરંતુ ખોટી રીતે થાય તો તે તમને બાળી નાંખશે જે ઉદાહરણ સાથે સાબિત થયું છે. ઉપરાંત લાગણીઓ અને શ્વાસને ઉંડો સબંધ છે અને માટે જ સુખ કે દુઃખની લાગણી ઉદ્ભવતાં તે સૌ પ્રથમ તમારા શ્વાસોચ્છવાસની ક્રિયાપર અસર કરે છે. ગમે તેની પાસે અથવા અયોગ્ય જગ્યાએ પ્રાણાયામ શીખવા કે શીખવવા એ ગુનો છે કારણ કે યોગ-પ્રાણાયામ કોઇ બજારુ વિદ્યા નથી.' પ્રથમ દિવસે ભાણદેવજીએ શિબિરાર્થીઓને ઉજ્જયી પ્રાણાયામનાં સરળ અને શાસ્ત્રીય એમ બે પ્રકારની શિક્ષા આપી હતી.