નાજુક કે સુડોળ કમર મેળવવી એ દરેક મહિલાનું એવું સપનું હોય છે જે બહુ ઓછા કિસ્સામાં સફળ થાય છે. કમરનો ઘેરાવ ત્યારે ઓછો લાગે છે જ્યારે પેટની અનાવશ્યક ચરબી દૂર થાય. આના માટે તમારે ભોજન પર તો નિયંત્રણ રાખવું જ જોઇએ, સાથે વ્યાયામ અને જરૂરી યોગાસન પણ કરવા જોઇએ. તમે ઇચ્છો તો આ માટે નીચેના આસનો અજમાવી શકો છો.
1. ભુજંગાસન - આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને સ્નાયુ મજબૂત બનશે.
2. ધનુરાસન - આ આસન કરવા માટે પણ તમારે ઉપર મૂજબ પેટના બળ પર ઊંઘવું પડશે. આ સ્થિતિમાં તમારા હાથ નીચેની તરફ જ રાખો. ધીમે-ધીમે પગ, માથું અને ખભો ઉપરની તરફ ઉઠાવો. સાચી સ્થિતિમાં આવતા તમારા હાથથી પગને કસીને પકડી લો. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી યથાવત રહો. આ આસન કરવાથી તમારા પગ, ખભો અને પેટના સ્નાયુમાં ખેંચાણ સર્જાશે.
3. પશ્ચિમોત્તાનાસન - આ આસન ક્રિયામાં તમારા પગ પર દબાણ પડે છે જેની સીધી અસર પેટની ચરબી પર પડે છે. આ આસન કરવા માટે સીધા ઊંઘી જાઓ. ધીમે-ધીમે તમારા શરીરના ઉપરના હિસ્સાને ઉઠાવો અને બેસી જાઓ. હાથને ઉપર કરો અને આગળની તરફ નમતા તમારા હાથની મદદથી પગને સ્પર્શ કરો. 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં યથાવત રહો. આનાથી તમારું પેટ અંદરની તરફ દબાશે. જો તમારું પેટ વધારે પડતું આગળની તરફ વધી ગયું છે તો આ આસન નિયમિતરૂપે કરવાથી તમને સારો ફાયદો મળશે