નવીદિલ્હી (ભાષા) આજે શનિવારે 8મી માર્ચ એટલે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. આપણા દેશમાં સર્વે બાદ એવી બાબત જાણવા મળી છે કે, મહિલાઓની સ્થિતીમાં હજુ નોંધપાત્ર સુધારો થયો નથી. ભારતે વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી હોવા છતાં અને મહિલાઓને વ્યાપક તક આપવામાં આવી હોવાના દાવા છતાં સ્થિતી કફોડી છે. હજુ માત્ર 13 % મહિલાઓ જ કામ કરે છે. સર્વેમાં પ્રાપ્ત માહિતી મુજબ 10 મહિલાઓ પૈકીની નવ મહિલા તો અતિ મુશ્કેલ પર્યાવરણ ધરાવતા અનઓર્ગેનાઇઝેશન ક્ષેત્રમાં નોકરી કરે છે. 18થી 59 વર્ષની આ મહિલાઓ પૈકી મોટા ભાગની મહિલાઓ નોકરીથી સંતુષ્ટ નથી. શહેરી ભારતની સરખામણીમાં ગ્રામીણ ભારતમાં કામ કરતી મહિલાઓ વધુ છે. તેમનું શોષણનું પ્રમાણ પણ વધુ છે.
35 %થી વધુ મહિલા ખેતરોમાં કામ કરે છે. અને તેમની આવક ખુબ જ ઓછી છે. 45 % મહિલા વર્કરો એક વર્ષમાં 50,000થી ઓછી આવક મેળવે છે. ભારતમાં સૌથી મોટુ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યા બાદ ઇન્વેસ્ટ ઇન્ડિયા ઇનકમ એન્ડ સેવિગ્સ સર્વે 2007માં આ આંકડા જારી કરવામાં આવ્યા છે. સર્વેનું ચિત્ર પ્રોત્સાહનજનક નથી.
સર્વેમાં જણાવાયું છે કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પ્રમાણમાં સારી આવક ધરાવતા પરિવારો મહિલાઓને નોકરીમાં નહીં મોકલવાના મતમાં વિશ્વાસ ધરાવે છે. 2 થી 5 લાખની વાર્ષિક આવક ધરાવનાર શહેરી ઘરમાં કામ કરતી મહિલાઓની ટકાવારી 13 % છે.
પાંચ લાખથી ઉપરની આવકમાં આ ટકાવારી નવ % જેટલી છે.ગ્રામીણ ભારતમાં પણ આ જ સ્થિતી છે. 50,000થી પાંચ લાખ વચ્ચેની આવક ધરાવનાર ઘરમાં કામ કરતી મહિલાઓની ટકાવારી 16-19 % છે. પાંચ લાખથી ઉપરની આવકમાં ટકાવારી ઘટીને 4 % થઇ જાય છે.