કપાસ - મગફળીનાં પોષણક્ષમ ભાવ સહિતનાં પ્રશ્નો ઉકેલવામાં સરકાર દ્વારા કોઈ રસ ન લેવાતા નારાજ ખેડૂતોનો રોષ ખેડૂત અધિકાર યાત્રા દરમ્યાન બહાર આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનાં નેજા હેઠળ યાત્રા રાજકોટ જિલ્લામાં ફરી રહી છે. સાથો સાથ વાઈબ્રન્ટ સમિટ સ્થળ, ગાંધીનગર ખાતે આગામી તા.૧૧મીએ સરકાર વિરૃધ્ધ જોરદાર દેખાવો યોજવા તૈયારી કરવામાં આવી રહી છે. આ દિવસે હજારો ખેડૂતો અડાલજ ચોકડી ખાતે એકત્ર થશે અને ત્યાંથી વાઈબ્રન્ટ સમિટ સ્થળે કૂચ કરશે.
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનાં શિવલાલભાઈ વેકરિયાનાં જણાવ્યા મૂજબ ગઈકાલે રાજકોટથી શરૃ થયેલી કિસાન અધિકાર યાત્રા ઉપલેટા બાદ ધોરાજી પહોંચી હતી. જુદા - જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યા બાદ સાંજે જેતલસર ખાતે પહોંચશે. યાત્રા દરમ્યાન કિસાનસભાઓ પણ યોજવામાં આવી રહી છે.
૭મી સુધી આ યાત્રા રાજકોટ જિલ્લામાં ફર્યા બાદ અન્ય જિલ્લામાં જશે. કુલ ચાર જિલ્લાનાં ગામોને આવરી લેસે. દરમ્યાન, ધોરાજી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી કિસાનસભામાં ઉમટેલા ખેડૂતોએ સરકાર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતોનાં પ્રશ્નો ઉકેલવાને બદલે સરકારે માત્ર ઠાલા આશ્વાસનો જ આપી ખેડૂતોને દયાજનક સ્થિતીમાં મૂકી દીધા છે. પરંતુ હવે ખેડૂતો અન્યાય સહન નહીં કરે.
ખેડૂત અધિકાર યાત્રા દરમ્યાન ખેડૂતોને જાગૃત કરવા સાથે ખેડૂત સમાજનાં સર્વવ્યાપી સંગઠ્ઠન માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, ખેડૂતોનાં પ્રશ્ને લડત ચલાવતી ખેડૂત લડત સમિતિનાં નેજા હેઠળ જુદી જુદી સંસ્થાઓ એકત્ર થઈ છે.