વાઈબ્રન્ટ સમિટ આવી પહોંચી હોવા છતાં પાંચ વર્ષથી નવી ઔદ્યોગિક નીતિ બનાવી શકાઈ ન હોવાથી તાકીદે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવા ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ પર દબાણ આવ્યું હતું. જેના કારણે ગુજરાત સરકારે આજે ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે. પરંતુ ઉતાવળે આંબા પકાવવા જતાં ગુજરાત સરકાર ગુંચવાઈ ગઈ હોય તેમ આ નવી નીતિમાં કેવા ઉદ્યોગોને કેવા પ્રોત્સાહનો અપાશે તેનું નક્કર વિઝન જ રજૂ કરી શકી નથી. નવી નીતિમાં ઈનોવેટિવ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત કરાઈ છે.
આજે ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે ઔદ્યોગિક નીતિ-ર૦૧પ જાહેર કરતાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીઝની સંખ્યા ર,૬૧,૭૬૦ છે. ત્યારે તેમાં હજુ નોંધપાત્ર વધારો થાય તે માટે નવી નીતિમાં વિશેષ સહાય યોજનાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યું છે.
સેક્ટર સ્પેસિફિક, મલ્ટી પ્રોડક્ટ ઝોન, ટ્વિન સિટી, ટેકનોલોજી પાર્ક વિગેરેના વિકાસ દ્વારા ગુજરાતને મેન્યુ.હબ બનાવાશે. આ ઉપરાંત ઉદ્યોગોના આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા ખાસ ભાર મુકવામાં આવ્યો છે. નવી નીતિ અનુસાર સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન, જીઆઈડીસી એસ્ટેટ અથવા ખાનગી ઔદ્યોગિક પાર્ક અને વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
હયાત અને નવા આકાર લેતાં માળખાને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી દ્વારા રોડ, વીજળી, પાણી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તદ્દઉપરાંત ગારમેન્ટ, એપેરલ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ તથા એસેમ્બલિંગ જેવા રોજગારી ઉત્પન્ન કરતાં વિવિધ ઉદ્યોગોને વિસ્તૃતિકરણ માટે અથવા તો નવા ઉદ્યોગ સ્થાપવામાં આવે તો તેના માટે વિશેષ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
નવી નીતિમાં ખાસ ક્ષેત્રોમાં કૌશલ્યવાન માનવબળ ઉપલબ્ધ કરાવવાની યોજના પણ દર્શાવવામાં આવી છે. તદ્દઅનુસાર બેરોજગાર યુવાનોે તાલીમબદ્ધ કરી ઉદ્યોગોને જરૃરી કૌશલ્યવાન માનવબળ ઉપલબ્ધ કરાવવા નવીન પ્રકારની તાલીમની ટેકનોલોજી અપનાવી તેના અનુરૃપ પાઠયક્રમ પણ તૈયાર કરવામાં આવશે.
સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરવામાં આવશે. જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના વિકાસને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટ્ટિયુટ સાથે જોડાણ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરમાં તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
ગુજરાત રાસાયણિક અને પેટ્રોકેમિકલ, ટેક્ષટાઈલ, એન્જીનીયરિંગ, ડ્રગ્સ, સિમેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો અને ઓટો કમ્પોનન્ટ વિગેરે ઉદ્યોગોનો વિકાસ થયો છે ત્યારે આવા હયાત રીસોર્સિસમાં વેલ્યુ એડિશન થાય તેવા પ્રયાસો નીતિમાં કરવામાં આવ્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. પરંતુ શું પ્રયાસો કરાયા છે તે સરકારે જાહેર કર્યું નથી. આ ઉપરાંત યુનિવર્સિટી, કોલેજો, આર એૃન્ડ ડી ઈસ્ટીટયુટ અને ઈન્ક્યુબેશન સેન્ટરની સહાયથી નવયુવાનોને ઉદ્યોગ શરૃ કરવા માટે આઈડિયા ટુ ઈન્વેસ્ટમેન્ટ માટે સ્ટાર્ટ અપ યોજના પણ વિચારવામાં આવી છે.