Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયબ્રંટ ગુજરાત : સમીટની તૈયારીઓ પર એક નજર

વાયબ્રંટ ગુજરાત : સમીટની તૈયારીઓ પર એક નજર
, સોમવાર, 16 એપ્રિલ 2012 (11:49 IST)
P.R
ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ અને છઠ્ઠો વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ 2013ના જાન્યુઆરીની 11થી 13 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. તે પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તેનું જે પરિણામ આવે તે સમય કહેશે પણ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સમીટની તૈયારીઓ પુરજોશથી થઇ રહી છે. આ વખતે વાયબ્રંટના નવા ફોકસ એરિયામાં ડિફેન્સ ઓફસેટ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન જેવા વિષયો ઉમેરાયા છે. તો ટકાઉ વિકાસને ધ્યાનમાં રાખતા વોટર રિસાયકલિંગ અને ટ્રીટમેન્ટ તથા પર્યાવરણ સાથે રીન્યુએબલ એનર્જીના પાસાને લગતા ઉદ્યોગો પર પણ ભાર મૂકવામાં આવશે.

જો ભાજપ ફરીથી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી જીતી સત્તામાં આવે તો જાન્યુઆરીમાં સતત છઠ્ઠા વાયબ્રંટ સમીટ સાથે ભાજપ સરકારના વિજયની એમ બેવડા પ્રસંગની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે. ઉદ્યોગ વિભાગ દ્વારા હાલ વાયબ્રંટની સફળતા માટે સતત મીટીંગનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતને ન્યુમરો ઉનોની ઇમેજ વૈશ્વિક સ્તર સુધી વિકસાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જેમાં ગુજરાત કયા કયા ક્ષેત્રમાં દેશ અને વિશ્વમાં આગળ છે તે દર્શાવાઇ રહ્યું છે. તો તે સાથે સમીટમાં નવા વિષયો પણ ઉમેરાઇ રહ્યા છે. જેથી વધુ ક્ષેત્રના ઉદ્યોગોને પણ આકર્ષી શકાય તે સાથે ગુજરાતના વિકાસ ઉપરાંત માનવવિકાસ પર પણ ભાર મૂકીને તે પ્રકારે સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જે ગુજરાતના આગામી સમયમાં થતા વિકાસ અને માનવજીવનની લાઇફલાઇન સમી બની રહે.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમીટમાં નવા પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રોનો સમાવેશ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાયેલી સ્થિતિના આધારે કરાયો છે. તેનો એક ઉદ્દેશ એ પણ છે કે અલગ પ્રકારના ઉદ્યોગો કે કંપનીઓ પણ સમીટમાં સહભાગી થઇ શકે અને તેનો લાભ ગુજરાતને મળી શકે. આ પ્રકારના ક્ષેત્રોમાં મુખ્યત્વે પર્યાવરણ, રીન્યુએબલ એનર્જી, ડિફેન્સ વોટર રિસાયકલિંગ એન્ડ ટ્રીટમેન્ટ વિગેરેનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ સમીટના ફોકસ એરીયા

- મેન્યુફેક્ચરિંગ-ઇજનેરી, ઓટો, ડિફેન્સ ઓફસેટ અને પ્રિસીઝન એન્જીનિયરીંગ, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્સટાઇલ-સ્પીનીંગ એન્ડ ટેકનીકલ, સ્પેશિઆલિટી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ.

- ટકાઉ વિકાસ-અર્બન ડેવલપમેન્ટમાં ટ્રાન્સપોર્ટ આધારિત વિકાસ, હેલ્થકેર, વોટર રિસાયકલિંગ એન્ડ ટ્રીટમેન્ટ, પર્યાવરણીય ટેકનોલોજી.

- ઇનોવેશન એન્ડ નોલેજ-રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, માનવમૂડી

- સર્વિસ સેકટર-આઇટી, આઇટીઇએસ, કેપીઓ એન્ડ બીપીઓ, બાયોટેકનોલોજી, ટુરિઝમ, ફાયનાન્સિયલ સર્વિસિસ.

- રીન્યુએબલ એનર્જી એન્ડ ટેકનોલોજી

- પોર્ટસ, શીપ બિલ્ડીંગ અને સંબંધિત ઉદ્યોગો

- એગ્રી બિઝનેસ એન્ડ ફુડ પ્રોસેસિંગ

સમીટમાં કોણ ભાગ લેશે
બહુરાષ્ટ્રીય કંપનીઓ, ઉદ્યોગસાહસિકો, ભારતીય કંપનીઓ અને લઘુ ઉદ્યોગો, વિદેશના મૂળ ભારતીયો, આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને ફાયનાન્સ સાથે સંકળાયેલા અગ્રણીઓ, રાજદ્રારીઓ, નાણાકીય નિષ્ણાતો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોમર્સ ચેમ્બરના પ્રતિનિધિઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, એકેડેમિ, ઓપિનિઅન મેકર વિગેરે.

Share this Story:

Follow Webdunia gujarati