દરેક વ્યક્તિ મહેનતથી કમાયેલા ધનને સુરક્ષિત રાખવા માંગે છે અને સાથે સાથે તેવું પણ ઈચ્છે છે કે તેમાં દિવસે દિવસે વધારો થાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસા, આભુષણ, કિંમતી વસ્તુઓ, અને જરૂરી કાગળો વગેરેને સુરક્ષિત રાખવા માંગે છે. ધન રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શુભ માનવામાં આવે છે કેમકે ઉત્તર દિશાનો સ્વામી ધનનો દેવતા કુબેર છે.
ઉત્તર દિશા : ઘરની આ દિશામાં કેશ તેમજ આભુષણો જે તિજોરીની અંદર રાખો છો તે તિજોરી મકાનની અંદર ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલથી લગાવીને રાખવી જોઈએ. આ રીતે રાખવાથી તિજોરી ઉત્તર દિશા તરફ ખુલશે અને તેમાં મુકવામાં આવેલ પૈસા અને આભુષણી અંદર હંમેશા વધારો થતો રહેશે.
ઈશાન ખુણો : અહીંયા પૈસા, ધન અને આભુષણ રાખવામાં આવે તો તે દર્શાવે છે કે ઘરનો મુખી બુદ્ધિમાન છે અને જો આને ઘરના ઉત્તર ઈશાનમાં મુકીએ તો ઘરની એક કન્યા સંતાન અને જો પૂર્વ ઈશાનમાં મુકીએ તો એક પુત્ર સંતાન બુદ્ધિમાન અને પ્રસિદ્ધ બને છે.
પૂર્વ દિશા : અહીંયા ઘરની સંપત્તિ અને તિજોરી મુકવી ઘણી શુભ હોય છે અને આની અંદર વધારો થતો રહે છે.
અગ્નિ ખુણો : અહીંયા ધન રાખવાથી ધન ઘટે છે કેમકે ઘરના મુખીયાની આવક ઘરના ખર્ચાઓથી ઓછી હોવાને લીધે દેવાની સ્થિતિ આવી પડે છે.
દક્ષિણ દિશા : દક્ષિણ દિશામાં ધન, સોનું, ચાંદી અને આભુષણો રાખવાથી નુકશાન તો થાય જ છે સાથે સાથે પ્રગતિ પણ નથી થતી.
નૈઋત્ય ખુણો : અહીંયા ધન, મોંઘો સામન અને આભુષણો રાખવામાં આવે તો તે ટકી રહે છે, પરંતુ એક વાત અવશ્ય રહે છે કે આ ધન અને સામાન ખોટી રીતે કમાયેલ હોય છે.