ભારતીય સ્થાપત્યકળામાં પ્રવેશ દ્વાર નું ખાસ મહત્વ છે. પ્રાચીનકાળથી ઘર કે શહેરનું પ્રવેશ દ્વાર બનાવવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રવેશ દ્વાર પરથી ઘર કે શહેરના વૈભવની જાણ જોનાર વ્યક્તિને થવી જોઇએ. માટેજ ભારતીય સ્થાપત્યકળામાં વર્ષો પહેલા શહેર કે મહેલોના પ્રવેશ દ્વાર કલાત્મક બનાવવામાં આવતા હતા. તેના પર સુંદર કોતરણી કામ કરવામાં આવતું હતું.
મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોય તો ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. પ્રવેશ દ્વાર હંમેશા દિવાલની વચ્ચે રાખવું જોઇએ. ખૂણામાં પ્રવેશ દ્વાર ક્યારેય પણ ન રાખવું. દ્વાર મુખ્યત્વે લાકડાનું બનાવેલું હોવું જોઇએ. તેના પર દેવી-દેવતા કે કોઇ શુભ પ્રતિકના ચિત્રો રાખવા જોઇએ. પ્રવેશ દ્વારની ઊંચાઇ તથા પહોળાઇ ઘર ના અન્ય દરવાજા કરતા વધુ હોવી જરૂરી છે.
શક્ય હોય ત્યાં સુધી પ્રવેશ દ્વારનો એકજ દરવાજો રાખવો જોઇએ અને તે ઘડીયાલના કાંટા પ્રમાણે ખુલે તે જરૂરી છે. પરંતુ જો દ્વારની પહોળાઇ વધારે હોય તો બે દરવાજા રાખી શકાય છે. અને બન્ને દરવાજા સરખા રાખવા. ઘણી વખત મોટા દરવાજામાં એક નાનો દરવાજો પણ બનાવવામાં આવે છે. પરંતુ ઘરના માલિકે આ નાના દરવાજાનો ઉપયોગ ક્યારેય કરવો જોઇએ નહીં.
મુખ્ય પ્રવેશ દ્વારની સામેજ ઘરનું પ્રવેશ દ્વાર આવે તે જરૂરી છે. આ રસ્તો વાંકોચૂકો ન રાખવો. રાતના સમયે મુખ્ય દ્વાર પર અંધારુ રહેવું જોઇએ નહીં. માટે ત્યાં લાઇટની જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ. મુખ્ય પ્રવેશ દ્વારની સામેની જગ્યા હંમેશા ખુલ્લી હોવી જોઇએ. તેની સામે વૃક્ષ કે થાંભલો ન હોવો જોઇએ.