આપણે જ્યારે પણ ઘર બનાવતાં હોઇએ છીએ ત્યારે ખાસ કરીને વાસ્તુશાસ્ત્રને જ અનુસરતાં હોઈએ છીએ અને તેથી આપણે કયો રૂમ ક્યાં બનાવવો, તેના માટે કઈ દિશા યોગ્ય છે, તેમજ ઘરની મુખ્ય વસ્તુઓ ક્યાં મુકવી જોઇએ એ બાબતો પર જ ધ્યાન આપીએ છીએ. નાની બાબતોનું ધ્યાન તો આપતાં જ નથી જેને લીધે ઘરની સાજ સજાવટમાં થોડીક ઉણપ રહી જાય છે.
જેટલી જરૂરી ઘરમાં મોટી વસ્તુઓની સજાવટની છે તેટલી જ જરૂરી છે નાની વસ્તુઓની સજાવટની. ઘણી વખત આપણે મોટી વસ્તુઓ જેમકે ફર્નીચર વગેરેને સજાવતાં સજાવતાં નાની-નાની વસ્તુઓનું મહત્વ ભૂલી જઈએ છીએ કે જેને લીધે ઘરની રોનકમાં ચાર ચાંદ લાગી શકે છે. હા પણ તે વસ્તુઓ કઇ જગ્યાએ ક્યાં અને કેવી રીતે ગોઠવવી જોઈએ તેનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ઘરને સજાવવા માટે તમારે બહારથી મોંઘી વસ્તુઓને ખરીદીને લાવવાની જરૂર નથી પરંતુ તમે ઘરે જાતે પણ કાંઇક બનાવીને કે પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પણ તેનાથી તમારા ઘરની શોભામાં વધારો કરી શકો છો. તેના માટે તમે તમારા બજેટ પ્રમાણે ખર્ચ કરી શકો છો. ઘરની સજાવટમાં ફૂલોનું ખુબ જ મહત્વ છે તેથી તમે ફૂલો દ્વારા પણ તમારા ઘરની શોભા વધારી શકો છો.
વળી ઘરને તમે ઇંડોર પ્લાન્ટ દ્વારા પણ એક નવો જ લૂક આપી શકો છો જે તમારા બજેટમાં પણ રહેશે. આજ કાલ તો એવો ટ્રેંડ ચાલી રહ્યો છે કે જેટલી વસ્તુ જૂની તેટલુ ઘર સારૂ લાગે એટલે કે અત્યારે એન્ટીક વસ્તુઓનું ઘરની શોભા માટે ખુબ જ મહત્વ વધી ગયું છે. તેથી જો તમારા ઘરમાં કોઇ જૂના સમયની વસ્તુઓ પડી રહી હોય તો તમે તેનાથી તમારા ઘરની શોભા વધારી શકો છો અને વળી તે આધુનિક પણ લાગશે. આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને તમે તમારા ઘરમાં ગોઠવીને નવો જ લુક આપી શકો છો. હા પણ ઘરને સજાવતાં પહેલા એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં થોડા સમયાંતરે બધી વસ્તુઓની ફેરબદલી કરતાં રહો જેને લીધે ઘરમાં કાંઇક નવું લાગે.