આગામી 1 ફેબ્રુઆરીને કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાતની બજેટની તારીખો પણ સામે આવી ગઇ છે. ગુજરાતમાં આગામી 3જી માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.
ગુજરાત સરકાર પોતાના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી 3 માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ બજેટ રજૂ કરશે. આ વખતના બજેટ સત્રમાં શનિ-રવિવારની 8 રજાઓ ઉપરાંત 18મી માર્ચે હોળીની રજા સહિતના 9 દિવસને બાદ કરતાં બાકી રહેતાં 22 દિવસ માટે આ સત્ર કામ કરશે. જેમાં 5થી 8 જેટલી ડબલ બેઠકો પણ યોજાશે.
ગાંધીનગર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન સાથે 2 માર્ચના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ત્યારબાદ સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 3 માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં 2022-23નું બજેટ રજૂ કરશે. 22 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરાશે. અંદાજ પત્ર પર 4 દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે. જ્યારે રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ તેમજ પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા ચાલશે.
અંદાજ પત્રની માંગણીઓ પર ચર્ચા માટે 12 દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયા મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ 31 માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે.