ટી 20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. યુએસઈ-ઓમાનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે એમએસ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમમાં માર્ગદર્શક તરીકે પણ સ્થાન મળ્યું છે. 2007 માં ટીમ ઇન્ડિયાને ટી 20 વર્લ્ડ કપ જીતાડનાર ધોની આ ટુર્નામેન્ટમાં વિરાટ એન્ડ કંપનીને માર્ગદર્શન આપશે. મોટા સમાચાર એ છે કે ધોની આ જવાબદારી નિભાવવા માટે કોઈ ફી લેશે નહીં. BCCI ના સચિવ જય શાહે ખુદ આ માહિતી આપી હતી.
એએનઆઈ સાથેની વાતચીતમાં જય શાહે માહિતી આપી હતી કે ધોની મફતમાં ટીમ ઇન્ડિયામાં મેન્ટર તરીકે જોડાશે. તેઓ પોતાની આ સેવા માટે કોઈ પણ પ્રકારની ફી લેશે નહીં. જય શાહે કહ્યું, 'એમએસ ધોની ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને પોતાની સેવાઓ આપવા માટે પૈસા નહીં લે.' ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યા બાદ જ 2007માં ટી -20 વર્લ્ડ કપ જીત્યો હતો.
ધોનીનો અનુભવ આવશે કામ
અહી જણાવી દઈએ કે એમએસ ધોનીનો અપાર અનુભવ ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ઘણો ઉપયોગી નીવડશે. ધોનીએ 2007 ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી હતી. સાથે જ 2014માં, ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ 2016 માં ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં 33 માંથી 20 મેચ જીતી હતી અને તેમની જીતની ટકાવારી 64 ટકાથી ઉપર હતી. ધોનીએ પોતાના કેરિયરમાં 3 આઈસીસી ટૂર્નામેન્ટ જીતી છે. તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી અને 2011 નો વર્લ્ડ કપ જીત્યો છે. આવી સ્થિતિમાં દેખીતુ છે કે ધોનીનો અનુભવ ટીમ ઇન્ડિયા માટે ઉપયોગી સાબિત થવાનો છે.
ટીમ ઇન્ડિયા 2 વોર્મ અપ મેચ રમશે
ટી 20 વર્લ્ડ કપ 2021 માં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમ ઇન્ડિયા બે વોર્મ અપ મેચ પણ રમશે. પ્રથમ પ્રેક્ટિસ મેચ 18 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમાશે. બીજી વોર્મ અપ મેચ 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. ટી 20 વર્લ્ડ કપની તમામ વોર્મ-અપ મેચોનું જીવંત પ્રસારણ પણ થશે.
T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડિયા- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.