આગામી ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ (BCCI) ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમમાં, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને મુખ્ય ટી 20 ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે પહેલાથી જ ટીમમાં છે તેને 15 સભ્યોની ટીમમાંથી હટાવીને હવે સ્ટેન્ડ-બાય ખેલાડીઓની યાદીમાં શામેલ કરી લેવામાં આવ્યો છે. ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાં કાયમ છે.
પંડયા પર BCCI એ બતાવ્યો વિશ્વાસ
હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. આઈપીએલ ફેઝ -2 માં તેમનું પ્રદર્શન પણ ખૂબ નિરાશાજનક હતું. ફેઝ-2 માં તેણે 5 મેચમાં માત્ર 75 રન બનાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન તે એક વખત પણ બોલિંગ કરતો પણ જોવા મળ્યો ન હતો.
આ ખેલાડી કરાવશે પ્રેકટીસ
BCCI એ એવા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે જે IPL સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ કરાવવા માટે UAE માં રહેશે. આ ખેલાડીઓમાં અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમેન મેરીવાલા, વેંકટેશ ઐયર, કરણ શર્મા, શાહબાઝ અહેમદ અને કે ગૌતમનો સમાવેશ થાય છે.
ICC ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સ્ટેન્ડ-બાય ખેલાડીઓ: શ્રેયસ ઐયર, દીપક ચાહર, અક્ષર પટેલ.