કઠપૂતળીના નૃત્યને કોણ નથી જાણતું. આ નૃત્યને જોઈને નરગીસ અને રાજકપૂરનું એક જુનુ ગીત जहां मैं जाती हूँ वही चले आते हो યાદ આવે છે. ત્યારે સોની સબ પર પ્રસારિત થતી લોકપ્રિય ટીવી શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવ દરમિયાન એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દરેક વ્યક્તિએ કોઈ પ્રવૃત્તિ કરવાની હોય છે. જેવી રીતે ડોક્ટર હાથી અને અબ્દુલે જોકર બનીને લોકોને હસાવ્યાં. આ કાર્યક્રમમાં દયાબેન અને માધવીભાભીએ કઠપૂતળીનો ડાન્સ કરી બતાવ્યો હતો.
આ અંગે દિશા વાકાણીએ જણાવ્યું હતું કે મેં આ ડાન્સ કરીને મહાન અભિનેત્રી નરગીસ દત્તને યાદ કર્યાં હતાં. જ્યારે મને ખબર પડી કે મારે નરગીસ દત્તના ગીત પર કઠપૂતળીનો ડાન્સ કરવાનો છે ત્યારે હુ ખૂબજ ઉત્સાહિત થઈ ગઈ હતી. હું તેમના જેવો ડાન્સ તો કોઈ પણ પ્રકારે ના કરી શકું, અમારો ડાન્સ તેમના ડાન્સથી અલગ છે. કારણ કે એક બ્લેક એન્ડ વ્હાઈટ ગીત હતું. જેમાં નરગીસે કેવા રંગના કપડાં પહેર્યાં હતાં તે અમને નથી ખબર. તેથી અમારા કપડાનો રંગ અલગ હોઈ શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક કોમેડી શો છે જેથી અમે કોમેડી કઠપૂતળીનો ડાન્સ કર્યો હતો. આ નૃત્યમાં મેં અને સોનાલિકાએ રાજકપૂર અને નરગીસ દત્તના વિડીયોને અનેક વાર જોયો હતો. તેમાંથી અમને કંઈક અલગ કરવાની પ્રેરણા મળી હતી. સોનાલિકા આ ડાન્સમાં પુરૂષ અને હું મહિલાના વેશમાં નૃત્ય કરી રહ્યાં છીએ.