Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હકીકતોને ખરાબ રીતે રજૂ કરતા રિઍલિટિ શો...

હકીકતોને ખરાબ રીતે રજૂ કરતા રિઍલિટિ શો...

જનકસિંહ ઝાલા

નાના પડદા પર આજે જો તમારે કોઈ કાર્યક્રમોનો સફળતારૂપી ધ્વજસ્તંભ લહેરાતો જોવો હોય તો તે છે રિઍલિટિ શોઝ. તમે જાણી શકશો કે, આ પ્રકારના શો ન તો માત્ર ટીવી ચેનલોની ટીઆરપી વધારવામાં સહયોગી થાય છે પરંતુ તેમના ખિસ્સા પણ રૂપિયાઓથી છલોછલ ભરી દે છે.

PR
P.R
તાજેતર જ એનડીટીવી ઈમેજિન પર પ્રસારિત થયેલો 'રાખી કા સ્વયંવર' નામનો રિઍલિટિ શો ખુબ જ પ્રસિદ્ધ થયો. જ્યાં રાખીએ પોતાના ભાવિ ભરથારની આંગળીમાં સગાઈ રૂપી સોનાની વીટી પહેરાવી. ( લગ્ન કયારેય કરશે એ તો રાખી જ જાણે).

આ ઉપરાંત સોની ટીવી પર આવતો 'ઈસ જંગલ સે મુઝે બચાઓ', સ્ટાર પ્લ્સ પર આવતો સત્ય પર આધારિત 'સચ કા સામના' એક એવા રિઍલિટિ શો પૈકીના એક છે જેઓએ ચેનલો માટે ટીઆરપીનો ગ્રાફ અપેક્ષા કરતા પણ ઘણે ઉચેં સુધી પહોંચાડ્યો છે.

થોડા સમય પૂર્વે રિયલ ટીવી પર શરૂ થયેલો 'સરકાર કી દુનિયા', કર્લસ પરનો 'ખતરો કે ખિલાડી', સોની ટીવી પરનો 'બિગ બોસ'પણ ખુબ ચર્ચામાં રહ્યાં. સંગીત અને નૃત્ય પર આધારિત રિઍલિટિ શો પણ આખા વર્ષ દરમિયાન ખુબ જ સફળ થયાં. ટેલેન્ટ હંટ પર આધારિત 'ઈંડિયા ગોટ્સ ટેલન્ટ'(કલર્સ), 'એન્ટટેનમેન્ટ કે લિએ કુછ ભી કરેંગા' (સોની) પણ સફળ રિઍલિટિ શોઝની યાદીઓમાં શામેલ છે. કોમેડી શો જેવા કે 'લાફ્ટર ચેલેંજ' અને 'હસ બલિયે' એ પણ દર્શકોમાં પોતાની અભૂતપૂર્વ છાપ છોડી.

હકિકતમાં નાના પડદે રિઍલિટિ શો ની શરૂઆત અમિતાભના બચ્ચનના 'કોન બનેંગા કરોડપતિ' થી શરૂ થયેલી ત્યાર બાદ શાહરૂખે પણ આ શો નું સુકાન સંભાળ્યું. (હાં શાહરૂખનો અન્ય એક રિઍલિટિ શો 'ક્યાં આપ પાંચવી પાંચ સે ફેલ હૈ પીટાઈ ગયેલો) બાદમાં ગોવિંદા, સલમાન ખાન (દસ કા દમ), અનુપમ ખૈર ઘણા બધા કલાકારોએ હોસ્ટ સીટ પર બેસીને રિઍલિટિ શો રજૂ કર્યા.

લોકો આ તમામ શો સાથે ભાવનાત્મક રીતે જોડાય તે માટે ચેનલોના અધિકારીઓ અવારનવાર અવનવા પેતરા કરતાં રહ્યાં. ક્યારેક આ શો દરમિયાન નિર્ણાયકોમાં મોટા ઝગડાઓ થતાં તો ક્યારેક સ્પર્ધકોનું ખુલ્લેઆમ અપમાન કરી નાખવામાં આવતું. ક્યારેક માઈનોરિટી અને મેજોરિટીનો મુદ્દો ઉછળતો તો ક્યારેક અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્નો પુછીને સ્પર્ધકોની લાગણી અને ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવતી.

'સચ કા સામના' નામનો રિઍલિટિ શો કંઈક આ પ્રકારનો છે. જે હાલ સૌથી વધુ વિવાદમાં ફસાયેલો છે. આ શો ના હોસ્ટ રાજીવ ખંડેરવાલ તેમાં ભાગ લેનારા સ્પર્ધક ( સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ કોઈ સેલીબ્રિટી..ભાઈ સામાન્ય વ્યક્તિના અંગત જીવન વિષે જાણવામાં આજે કોને રસ છે. કરસન કાકા ભલે ને ગમે તે કરતા હોય, પરંતુ કૈટરીના શું કરે છે એ તો જાણવું જોઈએને...)ને તેના જીવન સાથે જોડાયેલા અંગત પ્રશ્નો પુછે છે. ભાગ લેનાર સ્પર્ધક આ પ્રશ્નોના સાચા જવાબ આપે છે કે, ખોટા તેનો પોલીગ્રાફ ટેસ્ટ લેવાય છે અને થોડી જ વારમાં દુઘનું દુઘ અને પાણીનું પાણી સામે આવી જાય છે.

અહીં પ્રશ્નો પણ વ્યક્તિના અંગત જીવન સાથે સંકળાયેલા છે જેવા કે, 'લગ્ન પહેલા તમારે કોઈની સાથે શારીરિક સંબંધો હતાં ?' 'શું તમારે તમારી પત્ની સિવાય અન્ય કોઈ મહિલા સાથે સંબંધો છે ?' 'તમે નિચલી જ્ઞાતિમાં જન્મયા છો તેથી તમારે કદી અપમાન સહન કરવું પડેલું ? 'શું લગ્ન પહેલા તમે ગર્ભપાત કરાવેલો ?.

આ શો ને લઈને વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સભ્ય કમલ અખ્તરે આ શો ને બંધ કરવા માટે સંસદમાં હોબાળો મચાવ્યો. તેમનું કહેવું હતું કે, આ પ્રકારના શો ભારતની સંસ્કૃતિ અને ગરિમાને ઠેસ પહોંચાડે છે. દિલ્લીનો એક વ્યક્તિ તો આ શો ને બંધ કરાવવા માટે કોર્ટમાં પહોંચ્યો, તેણે કોર્ટ સમક્ષ એક આવેદન લખ્યું જેમાં આ શો ના કર્મચારીઓને 28 જુલાઈ પહેલા શો ની કારણ બતાવો નોટીસનો જવાબ આપવાં કહ્યું.

webdunia
PR
P.R
બીજી તરફ આ શો ના નિર્માતા સિદ્દાર્થ બાસું એક ડગલું આગળ માંડતા શો માં રાજા ચૌધરી અને બોબી ડાર્લિગ જેવી સેલીબ્રિટીને પણ લઈ આવ્યાં છે. જેઓનું જીવન અસંખ્ય વિવાદોમાં જોડાયેલું છે. આમ તો આ શો માં અગાઉ ક્રિકેટર વિનોદ કાંબલી પણ આવેલો જેણે પોતાના પરમ મિત્ર સચિન તેંડુલકર સાથેના સંબંધોને લઈને બૂમબરાડા કરેલા. અન્ય એક અભિનેત્રી ઉર્વિશી ધોળકિયા (કોમાલિકા) પણ રાજીવ ખંડેરવાલના હોટ પ્રશ્નોના બેફિકર જવાબ આપ્યાં.

અમેરિકન રિઍલિટિ શો 'મોમેન્ટ ઓફ ટ્રૂથ' પરથી પ્રેરિત આ શોનું નામ મારા મતે 'સચ કા સામના' ને બદલે 'મોમેન્ટ ઑફ બેડરૂમ' રખાયું હોત તો કંઈ ખોટું ન હતું.

અહીં પ્રેક્ષકોનો જરાપણ વાંક નથી. ભારતની જનતાને તો તમે મનોરંજનના થાળ રૂપી જેવું પણ ભોજન પીરસશો તે સ્વેચ્છાએ ખાઈ લેશે. દોષ ટીવી ચેનલવાળાઓ અને રિઍલિટિ શો ના અધિકારીઓનો છે. જેઓ સ્વચ્છ અને આનંદરૂપી મનોરંજનને બદલે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. જો આવું જ થતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે, જ્યારે સમાજનો દરેક વ્યક્તિ એ કહેવામાં સંકોચ નહીં અનુભવે કે, 'ટીવી એટલે સાચે જ ઈડિયટ બોક્સ ! '

Share this Story:

Follow Webdunia gujarati