બાલાપીરની દરગાહ
જ્યાં ઘડિયાળ ચઢાવવાથી ઈચ્છા સમયસર પૂરી થાય છે !
પીરની પવિત્ર દરગાહ પર તમે અનેક શ્રદ્ધાળુઓને ફૂલોની ચાદર, દિવો, અગરબત્તી, શ્રીફળ ચડાવતાં જોયા હશે. પરંતુ એક દરગાહ એવી છે, જ્યાં પૂજાની સામગ્રી સાથે ઘડિયાળ પણ ચડાવવામાં આવે છે. '
શ્રદ્ધા-અંધશ્રદ્ધા'ની આ કડીમાં આપણે ગુજરાતના વડોદરા શહેર નજીક સ્થીત બાલાપીર દરગાહની મુલાકાત લઈશુ. અમદાવાદ-મુંબઈને જોડતાં નેશનલ હાઈવે-8 પર નંદેસરી પાસે આવેલી આ દરગાહ લોકોની અનોખી માન્યતાના કારણે વિશેષ બની ગઈ છે. શ્રદ્ધાળુઓનુ માનવુ છે કે, આ દરગાહ પર ઘડિયાળ ચડાવવાની બાધા રાખવાથી તમામ ઈચ્છીત કાર્યો પૂર્ણ થાય છે. લોકોની ખાસ માન્યતાના કારણે બાલાપીર દરગાહ હવે 'ઘડિયાળી બાબા'ના નામે પણ ઓળખાય છે. સંતાન પ્રાપ્તી, કોર્ટ કેસ, નોકરી, ગૃહ કલેશ, બિમારી જેવી અનેક વણઉકેલાયેલી સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે સેંકડો શ્રદ્ધાળુઓ દરરોજ ઘડિયાળી બાબાના દરબારમાં આવે છે, અને પોતાના ઈચ્છીત કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે બાધા રાખે છે. તેઓનુ માનવુ છે કે, સમયના માલિક અને ઘડિયાળના કાંટે ભક્તોના કામ પાર પાડતાં 'ઘડિયાળી બાબા' તેમની મનોકામના અવશ્ય પુરી કરશે.ફોટો ગેલેરી માટે ક્લિક કરોઆ પ્રકારની અનોખી વાત જાણીને અમે બાબાની દરગાહની મુલાકાત લીધી. દરગાહને જોતાં જ અમે વધુ આશ્ચર્યમાં મુકાઈ ગયા. કારણ કે, દરગાહ પર ચારે તરફ સેંકડો ઘડિયાળો જોવા મળી. એટલુ જ નહીં બાબાના દર્શન કરવા આવેલા કેટલાક ભક્તોના હાથમાં પણ ઘડિયાળો હતી. બિમારી દુર થતાં ઘડિયાળ ચડાવી-દરગાહ પર શ્રદ્ધાપૂર્વક ઘડિયાળ ચડાવતાં એક ભક્ત રણજીતસિંહે જણાવ્યુ કે, તેમની પત્ની થોડા દિવસો અગાઉ ગંભીર બિમારીની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. અનેક તબિબો પાસે દોડધામ કરી હોવા છતાંય તેની બિમારી દુર ન થઈ. અંતે તેમણે બાબાના દરબારમાં ઘડિયાળ ચડાવવાની બાધા રાખી અને ગણતરીના સમયમાં તેની તબિયત સુધરવા લાગી. આમ, બાબાની અસીમ કૃપાથી તેમનુ પરિવાર આ મુશ્કેલીમાંથી બહાર આવી જતાં, તેઓ પત્ની સાથે બાધા પુરી કરવા બાબાના ચરણોમાં ઘડિયાળની ભેંટ ધરવા આવ્યા છે. સેંકડો ટ્રક ચાલકો બાબાના અસીમ ભક્ત-હાઈવે પર માત્ર ઈશ્વરના ભરોસે જીવતાં ટ્રક ચાલકો ઘડિયાળી બાબાના ખાસ ભક્ત છે. લાંબી મુસાફરીએ જતાં પહેલા ટ્રક ચાલકો પોતાની સલામતી માટેની બાબાની બાધા રાખે છે. બાલાપીરની કૃપાદ્રષ્ટિથી તેઓ પોતાની મંઝીલે હેમખેમ પહોંચી જાય છે, અને તેથી જ તેઓ પરત આવીને બાબાના દરબારમાં ઘડિયાળની ભેંટ ચડાવે છે. ડિસેમ્બરમાં બાબાનો ઉર્સ-દરવર્ષે 15મી તથા 16મી ડિસેમ્બરના ખાસ દિવસે ઘડિયાળી બાબાના ઉર્સનુ આયોજન કરવામાં આવે છે. બંને દિવસો દરમિયાન અહીં સંદલ તથા ભવ્ય મેળો ભરાય છે. કહેવાય છે કે, આ સમયમાં શ્રદ્ધાપૂર્વક બાબાને નમન કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.દરગાહ કોમી એકતાનુ પ્રતિક-ઘડિયાળી બાબાની દરગાહ કોમી એકતાનુ અનોખુ પ્રતિક છે. આ દરગાહની સેવા-પૂજા તથા દેખભાળની સંપૂર્ણ જવાબદારી એક હિન્દુ પરિવાર સંભાળી રહ્યુ છે. આ પરિવારના મોભી હરિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, પાછલી ત્રણ પેઢીથી તેમનુ પરિવાર આ દરગાહની સાર-સંભાળ રાખી રહ્યુ છે. બાબાના આર્શિવાદથી તેમના પરિવાર પર અત્યાર સુધી કોઈ મોટી વિપદા આવી નથી.
દરગાહની ઘડિયાળોનુ દાન કરાય છે-
દરરોજ સેંકડો ભક્તો દરગાહ પર ઘડિયાળ ચડાવે છે અને તેના કારણે મહિનાના અંતે દરગાહ પર એટલી બધી ઘડિયાળો એકત્રીત થઈ જાય છે કે તેને મુકવી ક્યાં, તે મોટો સવાલ ઉપસ્થિત થાય છે. જેના ઉકેલ માટે દરગાહના સંચાલકો દ્વારા સેંકડો ઘડિયાળોને સરકારી શાળાઓ, દવાખાના તથા સમૂહ લગ્નોમાં ભેંટ સ્વરૂપે દાન કરે છે.
"દરગાહ પર ઘડિયાળની ભેંટ ધરવાથી દુઃખ દુર થાય તેવી શ્રદ્ધા વિષે માત્ર એટલુ જ કહી શકાય કે, શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી." આ અંગે આપ શું વિચારો છો, તે અમને જરૂર જણાવો..