Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપાલ પલ્લીમાં ચોખા ઘીની નદી

માતાની પલ્લી પર છ લાખ કિલો ઘીનો અભિષેક થયો, પલ્લીયાત્રામાં 10 લાખ લોકો ઊમટયાં હતા

રૂપાલ પલ્લીમાં ચોખા ઘીની નદી

વેબ દુનિયા

Mr. Akshesh SavaliyaW.D

આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી તમને અમારાં સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી અવગત કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી પરિચિત કરાવવાનો રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા બધા પાઠકો આસ્થા અને અંધવિશ્વાસની વચ્ચે ખેંચાયેલી પાતળી રેખાને ઓળખે અને સમજદારીથી નિર્ણય કરે...

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો

ભારતની સમૃદ્ધિ માટે એવું કહેવાતું કે આ દેશમાં દૂધ-દહીંની નદીઓ વહેતી. શિંગણાપુરમાં શનિદેવના મંદિરની બહાર આજે પણ તેલની નદી વહે છે! તેલની જેમ ઘીની નદી વહેતી જોવાનો લહાવો લેવો હોય તો ગાંધીનગર નજીકના રૂપાલ ગામે જવું પડે, તેજ અમારો આજનો વિષય છે.
webdunia
Mr. Akshesh SavaliyaW.D

નવરાત્રિ પર્વની નોમની રાત્રે દર વર્ષ યોજાતાં પલ્લી મહોત્સવમાં માં આદ્યશક્તિ વરદાયિની માતાની પલ્લી પર ચોખ્ખા ઘીનાં અભિષેક સાથે આ વર્ષે દેશ વિદેશથી અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સામીલ થયા હતા છેલ્લા નોરતે અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીનો પરંપરાગત પલ્લીરથ નીકળ્યો હતો. જેમાં આ વર્ષે માતાજીને લગભગ છ લાખ કિલો ઘી (આશરે રૂ. 10 કરોડ)નો અભિષેક થયો હતો.

આ વર્ષે માતા વરદાયિની (વડેકી)ની પલ્લી મહોત્સવમાં ખીચડો બનાવવામાં વાર લાગતાં રાત્રે ૧૨.૦૦ કલાકે નીકળતી પલ્લી રાત્રે 3.૩૦ કલાકે નીકળી હતી, તેમ જ જુદાં-જુદાં ૨૭ ચકલાઓ પર ફરીને માતાજીનો રથ સવારે ૮.૦૦ કલાકે નીજ મંદિરે પહોંચ્યો હતો. શનિવારની સાંજથી અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું અને રાત્રિ પછી જાણે દિવસ શરૂ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘીના ડબ્બાઓની ટ્રકો બે દિવસથી રૂપાલમાં ઠલવાતી હતી.

ગામના 27 ચકલામાં ટ્રેકટરની ટ્રોલી, પીપડા ભરીને ઘી ભર્યું હતું. પલ્લી આવતા ડોલે-ડોલે ઘીનો અભિષેક પલ્લીરથ ઉપર કરવામાં આવ્યો હતો. આટલું બધું ઘી એક સાથે ચઢાવવામાં આવ્તા દેશની સૌથી મોટી કો. દૂધ ડેરી અમુલમાં ધીનો જથ્થો ખત્મ થઇ ગયો હતો.
webdunia
Mr. Akshesh SavaliyaW.D

પલ્લીરથ ઉપર શ્રદ્ધાળુઓએ શ્રીફળ, ઘીનો અભિષેક કર્યો હતો. જયારે પલ્લી રથની જયોતના દર્શન કરાવવાની પણ અનોખી પ્રથા અહીં જૉવા મળે છે, જેને બાળકને ‘ઘી વાળો કર્યો’ એમ કહેવામાં આવે છે. આવાં બાળકોની સંખ્યા પણ મોટી હતી. આશ્ચર્યની અને શ્રદ્ધાની વાત એ છે કે, માતાની પલ્લીનાં દર્શન કરવાં ઊમટેલાં હજારો શ્રદ્ધાળુઓનાં ઘીથી તરબતર થયેલાં કપડાં માત્ર પાણીથી ધોવાથી પણ સાફ થઇ જાય છે. અહીં એક માન્યતા એવી પકે પલ્લીરથ નીકળી જાય પછી રોપથયેલજવારા ઢળી જાય છે. નવા વર્ષમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી અંગે ગામનબંધાણી ભાઇઓએ જણાવ્યું હતુે, ખેડૂતો માટે નવું વર્ષ સારું જશે અને જરૂરિયાત મુજબનો વરસાદ આવશે. ગયા વર્ષે બંધાણીઓએ કરેલી આગાહી સાચી પડી હતી.

webdunia
Mr. Akshesh SavaliyaW.D

જયારે ગામના માળીવાસમાં રહેતા મનોજભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પલ્લીના દિવસે ગામનાં દરેક ઘરમાં 20 જેટલા મહેમાનો આવી જાય છે અને ગામની વસ્તી 20 ગણી થઇ જાય છે. વરદાયિની દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે આ વર્ષે શ્રદ્ધાળુઓએ ચઢાવેલા ઘીની સંખ્યામાં ખૂબજ વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે લગભગ સવા ચાર લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો. અહીં દર વર્ષે ઘીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને આ પ્રસંગે ગામ છોડીને અન્ય સ્થળે વસેલાં લોકો તેમ જ ગામની દીકરી અને જમાઇ અવશ્ય હાજર રહે છે. જે લોકોને બાળક ન થતું હોય કે અન્ય કારણોસર લોકો પલ્લીમાં ઘી ચઢાવવાની અને બાળકને પલ્લીની જ્યોતનાં દર્શન કરાવવાની માનતા રાખતા હોય તેઓ બધા અહીં રૂપાલ ગામે એકઠાં થાય છે અને પોતાની મનોકામનાં પૂર્ણ કરવા માટે અને જેઓની પૂર્ણ થઇ ગઇ છે તેઓ તમામ શ્રદ્ધાળુઓ પલ્લી પર ઘી ચઢાવે છે,

પલ્લી પર ચઢતા ઘીનો ઉપયોગ માત્ર વાલ્મિકી સમાજના લોકો જ કરી શકે. પલ્લી પર ઘીનો અભિષેક થતો હોવાથી વરદાયિની માતાજીને ‘ધ્ચાતિ દેવી’ તરીકે પણ ઓળખાય છે. શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવેલા ઘી નદી વહેતા વહેતા જ્યારે ગામનાં પાદરે આવી, ત્યારે ગામમાં રહેતા અને કચરો વાળતાં વાલ્મિકી સમાજના લોકો એ પરંપરા મુજબ ઘીને એકત્ર કર્યું હતું. અને આ ઘીને તપેલામાં ભરી ઘરે લઇ જઇ ઉકાળીને ચોખૂ કરીને પછી બજારમાં વહેચી મારે છે.
webdunia
Mr. Akshesh SavaliyaW.D

છેલ્લે, ઘીથી તરબોળ ગામવાસીઓ પલ્લી રથને મંદિરમાં સૂર્યોદય પહેલાજ મંદિરમાં પધરાવીને ગામની ભાગોળે આવેલા હવાડામાં નાહવા નીકળી પડે છે. આમ તેઓ સમૂહ સ્નાન કરી એકતા અને અખંડતાના પ્રતિક બને છે.

એવું કહેવાય છે કે, પ્રાચીન કાળમાં પાંડવો તેઓની પત્ની દ્રૌપદી સાથે બાર વર્ષનાં વનવાસ દરમ્યાન રૂપાલ ગામેથી પસાર થતાં હતાં, ત્યારે માતા વરદાયિનીની આરાધના કરીને એક વર્ષનાં ગુપ્તવાસ દરમ્યાન પકડાઇ ન જાય તે માટે માનતા માની હતી, અને પછી તેઓની એક વર્ષ બાદ માનતા પૂર્ણ થતાં તેઓએ સોનાની પલ્લી બનાવીને તેના પર ચોખ્ખું ઘી ચઢાવી આખા ગામમાં આ પલ્લી ફેરવી હતી. ત્યારથી શરૂ થયેલી આ પરંપરા ગામનાં લોકોએ હાલમાં પણ જીવંત રાખી છે.
webdunia
Mr. Akshesh SavaliyaW.D

રૂપાલ ગામમાં રહેતા મનોજભાઇ વ્યાસ જણાવે છે કે, પાંડવના સમયથી ચાલતી પરંપરા હજુ અમે ગામ લોકોએ જાળવી રાખી છે અને આ પરંપરાને ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. તેઓએ પલ્લીના તહેવારને વિગતવાર જણાવ્તા કહયું કે, નોમના દિવસે સવારે હરિજનભાઇઓ ખીજડા નામના વૃક્ષનું લાકડું કાપી લાવે તેમાથી રથ તૈયાર થાય. આ રથને વાળંદભાઇઓ સજાવે અને કુંભારભાઇઓ માટીના પાંચ કુંડા પલ્લી ઉપર છાંદી આપે. પછી પિંજારાઓ કપાસ પુરી આપે, તો માળીભાઇઓ પલ્લીને ફૂલહારથી શણગારે અને આમ પલ્લી રથ બને છે. છેલ્લે માતાજીનો પ્રસાદ પંચોલી અને બ્રાહ્મણો તૈયાર કરે છે. દર વર્ષે માતાની નવી પલ્લી બનાવવામાં આવે છે. પલ્લી બનાવવા માટે એક પણ ખીલ્લીનો ઉપયોગ કરાતો નથી. તેમજ પલ્લીનો મઢ દર પાંચ વર્ષે બદલવામાં આવે છે, જ્યારે ગયા વર્ષની પલ્લીનું લાકડું આઠમના દિવસે હવનમાં હોમવામાં આવે છે. પાંડવોએ શસ્ત્રો સંતાડયાં હતાં તે વરખડીનું ઝાડ હાલમાં પણ ગામમાં મોજૂદ છે, અને તેની નીચે અર્જુન અને દ્રૌપદીનું મંદિર બનાવેલું છે.

આમ, રૂપાલમાં પલ્લીની પરંપરામાં આપણી વર્ણવ્યવસ્થા જડબેસલાક આજે પણ ઘુસેલી છે. આ વિચાર તો પલ્લી પસાર થઇ ગયા બાદ તમામ બુદ્ધીજીવીઓને આવે છે. પણ પરિણામ શુન્ય, જ્યારે આ પરંપરાનો છેલ્લા 15 વર્ષેથી વિરોધ કરનાર 'પલ્લી પરિવર્તન અભિયાન' ચલાવતા લંકેશ ચક્રવર્તીનું કહેવું છે કે, આટલા બધા ઘીનો આમ વેડફવાની જગ્યાએ પલ્લી ઉપર પ્રતીક રૂપે થોડું ઘી ચઢાવી બાકીના ઘીનો યોગ્ય ઉપયોગ સામાજિક કાર્યમાં થાય તો ઘણા ગરીબો આશિર્વાદ આપે. તદ્દઉપરાંત આ ઘીને સસ્તા ભાવે વહેચીને તેની આવકમાંથી રૂપાલ ગામમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, લાઇબ્રેરી, બગીચા, રસ્તાઓ બનાવવામાં કરી શકાય તો એ વધારે લાભકારક રહેશે. પરંતુ ગામના લોકો આ વાતને માનતા નથી અને આ અભિયાન ચલાવનાર લંકેશને ગામના લોકો તેનો વિરોધ કરે છે અને તેઓને લંકેશનામનો રાવણ કહે છે.
webdunia
Mr. Akshesh SavaliyaW.D

આપણા દેશમાં જ્યાં ધર્મ અને શ્રદ્ધા આપણા મન પર હાવી હોય ત્યારે આવા સંવેદનશીલ મુદાઓ પર લોકોને એકઠા કરવા ખૂબજ મુશ્કેલ છે. તેના માટે એટલું કહી શકાય કે, 'શાસ્ત્રોમાં લખ્યું છે માટે તમે કંઇ ન કરશો, પહેલેથી ચાલતું આવ્યું છે તેથી પણ તમે ન કરશો, હું કહું છું એટલે પણ ન કરશો, પરંતુ તમે વિચાર કરી અને કરવા જેવું લાગે તોજ કરજો'. તેમ બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધે કહ્યું છે.

(વિડીઓગ્રાફીમાં- કેમેરામેન ધર્મેન્દ્ર વ્યાસના સૌજન્યથી)

Share this Story:

Follow Webdunia gujarati