Publish Date: Wed, 20 Jun 2007 (18:51 IST)
Updated Date: Wed, 20 Jun 2007 (18:50 IST)
હિન્દી ફિલ્મોમાં મધુબાલાને તેના સમયની અને સર્વકાલીન આકર્ષક અભિનેત્રીની ઉપમા આપવામાં આપી શકાય. મધુબાલાના મૃત્યુને વર્ષો વિતી ગયા છે તેમજ બોલીવુડમાં અનેક નવી અભિનેત્રીઓનું આગમન થયું પરંતુ આજેય તેને તેના અભિનય અને દેખાવ માટે યાદ કરવામાં આવે છે.
મધુબાલાનું સાચું નામ હતું મુમતાઝ જહાં બેગમ દહલવી. એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી મધુબાલા 11 ભાઈ-બહેનોમાં તેના માતાપિતાનું પાંચમું સંતાન હતી.
મધુબાલા વિષે એક મૌલવીએ ભવિષ્યવાણી કરી હતી કે મધુબાલાના જીવનમાં ક્યારેય યશ અને ધનની ખોટ નહી પડે પરંતુ તેને ક્યારેય સુખ નહીં મળે અને તે નાની ઉંમરે જ મૃત્યુ પામશે. મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન દિલ્હીમાં ઘોડાગાડી ચલાવતા. જો કે તેનાથી પરિવારનું ગુજરાન ચાલતું ન હોઈ તેઓ વધુ પૈસા કમાવવાની આશા સાથે મુંબઈ આવ્યા. એક વર્ષના સંઘર્ષને અંતે તેમની દિકરી મુમતાઝને બોમ્બે ટોકીઝમાં બાળ કલાકાર તરીકે કામ મળી ગયું.
1942માં રીલીઝ થયેલી મુમતાઝની પહેલી ફિલ્મ બસંતમાં મુમતાઝના અભિનયથી તે સમયની જાજરમાન અભિનેત્રી દેવિકા રાણી ખાસ્સી પ્રભાવિત થઈ. દેવિકા રાણીએ આવનારી ફિલ્મોમાં મુમતાઝનું નામ બદલીને મધુબાલા રાખ્યું. નવા નામ સાથે મુમતાઝે 1944માં દિલીપ કુમાર સાથે ફિલ્મ જ્વાર ભાટામાં કામ કર્યુ.
1947માં કેદાર શર્માએ તેમની ફિલ્મ નીલકમલમાં રાજકપૂર સાથે મધુબાલાને અભિનયની તક આપી. નીલકમલ એ રાજકપૂર અને મધુબાલા બંને માટે તેમના મુખ્ય અભિનયવાળી પહેલી ફિલ્મ હતી. નીલકમલ હિટ જતા રાજકપૂર અને મધુબાલા રાતોરાત સ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ગયા.
મધુબાલા થોડા જ દિવસોમાં બોમ્બે ટોકીઝની સ્થાયી કલાકાર બની ગઈ. 1949માં મધુબાલાએ અશોકકુમાર સાથે બોમ્બે ટોકીઝની ફિલ્મ મહલમાં કામ કર્યુ. ફિલ્મ મહલ અને તેનું સુપરડુપર હીટ પૂરવાર થયું. મહલનું લતા મંગેશકરે ગાયેલું ગીત આયેગા આનેવાલા મધુબાલા અને લતા મંગેશકર બંને માટે ફળ્યું.
આગળ જતા મધુબાલાએ અશોકકુમાર, દિલીપકુમાર, દેવઆનંદ, રહેમાન જેવા તે સમયના જાણિતા અભિનેતાઓ સાથે કામ કરીન તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો કર્યો. 1950ના દાયકાના મધ્યમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ. પરંતુ 1958માં મધુબાલા ફાગુન, હાવડા બ્રિજ, કાલાપાની અને ચલતી કા નામ ગાડી જેવી હિટ ફિલ્મો દ્વારા ફરીથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ.
1960માં મધુબાલાએ ફિલ્મ મોગલે આઝમમાં અનારકલીની ભૂમિકા નીભાવી. મધુબાલા અભિનીત પાત્રોમાં તે પાત્રને સૌથી યાદગાર ગણવામાં આવે છે. 1960ના દાયકાની શરૂઆતમાં મધુબાલાએ સુપરહિટ ફિલ્મોની હારમાળા સર્જતા 1961માં ઝુમરૂ, પાસપોર્ટ અને બોયફ્રેન્ડ તેમજ 1964માં શરાબી ફિલ્મમાં અભિનય કર્યો. તેની એક ફિલ્મ જ્વાલા તો તેના મૃત્યુ પછી છેક 1971માં રીલીઝ થઈ.
મધુબાલા ફિલ્મોમાં પ્રવેશ કર્યો તેના થોડા અરસા પછીથી જ હ્રદયરોગનો સામનો કરી રહી હતી. તે વખતે હાર્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ નહોતી. તેથી પૈસા અને પ્રસિદ્ધિ હોવા છતાય મધુબાલા આ રોગ સામે લાચાર હતી. મધુબાલાએ સાહસપૂર્વક આ રોગનો સામનો કર્યો. એટલું જ નહીં ફિલ્મ જગતના ઘણા લોકોને તો આ વાતની જાણ શુદ્ધા નહોતી.
1964 પછી હ્રદયરોગના લીધે તે ફિલ્મોમાં વધુ કામ ન કરી શકી. 1969માં મૃત્યુ પામતા સુધીમાં તો મધુબાલા ફિલ્મ જગતમાં છવાઈ ચૂકી હતી.