Publish Date: Wed, 20 Jun 2007 (18:51 IST)
Updated Date: Wed, 20 Jun 2007 (18:51 IST)
વીતેલા વર્ષોની જાણીતી અભિનેત્રી તનુજાની લાડલી દિકરી કાજોલે અજય દેવગણ સાથે પરિણયસૂત્રમાં બંધાયા બાદ ફિલ્મોમાં કામ ઓછું કરી નાંખ્યું છે પરંતુ તેનાથી તેની લોકપ્રિયતામાં જરાય ફરક પડ્યો નથી.
5 ઓગસ્ટ 1975ના રોજ મુંબઈ ખાતે જન્મેલી કાજોલને તેના નાની શોભના સમર્થ, માસી નૂતન અને માતા તનુજાના અભિનયન ગુણો વારસમાં મળ્યા હોઈ તેણે તેના પિતરાઈ ભાઈ બહેનો મોહનીશ બહેલ, રાની મુખરજી અને શર્બની મુખરજીની જેમ જ અભિનયમાં કારકિર્દી બનાવવાનું મન બનાવ્યું.
1992માં તેણે શાળા અભ્યાસ અધૂરો મૂકીને ફિલ્મ બેખુદી દ્રારા બોલીવુડમાં પગરવ માંડ્યા. તેની પહેલી ફિલ્મ કંઈ ખાસ ચાલી નહીં. પણ આગળ જતા તે તેના અભિનયના જોરે બોલીવુડમાં મુખરજી અને સમર્થ પરિવારની અભિનય પરંપરાને આગળ વધારવામાં કામયાબ રહી.
જો કે કાજોલે ફિલ્મોનો ઢગલો કરવાને બદલે માત્ર પસંદગીની ફિલ્મોમાં જ કામ કરવાને મહત્વ આપ્યું અને તેના લીધે 1992થી 2006 દરમિયાન તેના ખાતામાં માત્ર 26 ફિલ્મોમાં કામ કર્યુ. પણ તેણે કરેલી ગણતરીની ફિલ્મોમાંથી પણ ઘણી બધી ફિલ્મો બોક્સઓફિસને ગજવવામાં સફળ રહી.
તેમાં 1995માં રીલીઝ થયેલી દિલવાલે દુલ્હનીયા લે જાયેન્ગે સૌથી નોંધપાત્ર કહી શકાય.
કાજોલે 1993માં પહેલીવાર ફિલ્મ બાઝીગરમાં શાહરૂખ સાથે અભિનય કર્યો અને ત્યારથી જ તેની શાહરૂખ સાથેની જોડી બોલીવુડની સૌથી સફળ જોડીઓમાંથી એક ગણાવવા લાગી. બાઝીગર સિવાય કાજોલ અને શાહરૂખે કરન અર્જુન (1995), દિલવાલે દુલ્હનીયા લે જાયેન્ગે (1995), કુછ કુછ હોતા હૈ (1998) અને કભી ખુશી કભી ગમ (2001)માં એક સાથે કામ કર્યુ.
કાજોલની શાહરૂખ સિવાય અજય દેવગણ સાથેની જોડી પણ ખાસી લોકપ્રિય બની. કાજોલ અને અજય દેવગણની જોડીએ ઈશ્ક (1997), દિલ ક્યા કરે (1999) અને પ્યાર તો હોના હી થા (1998) જેવી હિટ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો.
ફિલ્મોમાં એકસાથે કામ કરતા કરતા કાજોલ અને અજય એકબીજા પ્રત્યે આકર્ષાયા અને તેમનો પ્રેમ 24 ફેબ્રઆરી 1999ના રોજ લગ્નમાં પરિણમ્યો. તે વખતે કાજોલ તેની અભિનય કારકિર્દીની ટોચ પર હતી. છતાં પણ તેણે લગ્ન કરવાનો સાહસભર્યો નિર્ણય લીધો.
કાજોલે 1997માં બોબી દેઓલ સાથે ફિલ્મ ગુપ્તમાં કામ કર્યુ. તેમાં કાજોલની ખલનાયીકા તરીકેની ભૂમિકા ખાસી વખણાઈ. તેને તે ભૂમિકા બદલ ફિલ્મફેરનો શ્રેષ્ઠ ખલનાયીકાનો એવોર્ડ પ્રાપ્ત થયો. તે જ વર્ષે તેને શ્રેષ્ઠ ખલનાયિકા તરીકેનો પહેલો ઝી સીને એવોર્ડ પણ પ્રાપ્ત થયો.
2001માં રીલીઝ થયેલી ફિલ્મ કભી ખુશી કભી ગમ કાજોલ માટે અનેક એવોર્ડનું નિમિત બની. જો કે આ ફિલ્મ પછી કાજોલ અભિનયમાંથી પાંચ વર્ષ લાંબો બ્રેક લીધો. તે ગાળામાં 2003ની ફિલ્મ કલ હો ના હોની મહેમાન ભૂમિકાને બાદ કરતા કાજોલ અભિનયથી છેટી જ રહી.
મે 2006માં કાજોલે યશ ચોપડાની બ્લોક બસ્ટર ફિલ્મ ફના દ્રારા અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યુ. આ ફિલ્મમાં કાજોલે પહેલીવાર આમીર ખાનની હિરોઈન તરીકેની ભૂમિકા નીભાવી. ત્યારબાદ રીલીઝ થયેલી કભી અલવિદા ના કહેનાના હિટ સોંગ રોક એન્ડ રોલ સોણીયામાં પણ કાજોલે દેખા દિધી.
કાજોલને 1996માં ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેન્ગે માટે, 1999માં ફિલ્મ કુછ કુછ હોતા હૈ માટે અને 2002માં ફિલ્મ કભી ખુશી કભી ગમ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો.
તે સિવાય 1997માં ફિલ્મ મીનસારા કનાવુ માટે કાજોલને દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો. શ્યામ વર્ણી કાજોલ ભલે બોલીવુડની અન્ય સ્માર્ટ હિરોઈનો જેવું સૌંદર્ય ન ધરાવતી હોય છતાય તેને બોલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. એટલું જ નહીં હાલના સમયની કોઈપણ અભિનેત્રી તેના જેટલો સહજ અને સરળ અભિયન કરી શકતી નથી. કાજોલ ફિલ્મ દુનિયામાં સફળ થઈ શકી તેનું કારણ તેનું આ જમા પાસું છે.