Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૮૬ વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાની ઇલેક્શન આઇકન તરીકે પસંદગી

86-year-old Dr. Selection of Bhagwatiben Ojha as Election Icon
, શનિવાર, 15 ઑક્ટોબર 2022 (21:11 IST)
86-year-old Dr. Selection of Bhagwatiben Ojha as Election Icon

ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેરના ૮૬ વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાની આઇકન તરીકે નિયુક્તિ કરી છે. ડિસ્ટ્રીક્ટ આઇકન તરીકે નિયુક્તિ આપ્યા બાદ કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, તેઓ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે. વર્ષ ૧૭-૧-૧૯૩૬ના રોજ જન્મેલા ડો. ભગવતીબેન ઓઝાએ પોતાનું બાળપણ સૌરાષ્ટ્રના મોરબીમાં વિતાવ્યું છે. ત્યાં જ અભ્યાસ કરી ૧૯૬૧માં તબીબી પ્રેક્ટિસ કરવાનો પરવાનો મેળવ્યો. મોરબીની જનાના હોસ્પિટલમાં ૧૫ વર્ષ અને સાતેક વર્ષ ખાનગી પ્રેક્ટિસ કરી.

એ દરમિયાન વર્ષ ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાના કારણે સર્જાયેલી હોનારત સમયમાં તેમણે દર્દીઓની સારી રીતે સેવા કરી. એ પૂર્વે પણ ખાસ કરીને મહિલાઓની પ્રસુતી કરવાના કામગીરી સૂપેરે નિભાવી હતી અને એવા સમયે જ્યારે તબીબી વિજ્ઞાન સમૃદ્ધ નહોતું અને સાધનો પણ ટાંચા હતા. તત્પશ્ચાત વર્ષ ૧૯૮૩માં તેઓ પોતાના ભાઇભાંડુ સાથે વડોદરા સ્થાયી થઇ ગયા. અહીં તેમણે ઓઝા સર્જીકલ હોસ્પિટલની શરૂઆત કરી. તેમના પરિવારના મોટાભાગના સભ્યો તબીબો છે. વિશેષ વાત તો એ છે કે, તેમની આ હોસ્પિટલમાંથી એક પણ સ્ટાફને છૂટા કરવામાં આવ્યા નથી. ૧૯૮૩થી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ આજે પણ કામ કરે છે.

ડો. ભગવતીબેન પોતાના વ્યવસાય સાથે રમતગમતના શોખને પણ વિકસાવ્યો હતો. તેઓ સાથે તરણ, સાયકલિંગ સાથે સમાજસેવા પણ શરૂ રાખી. તેમની ઉંમર વધતી ગઇ પણ ધગશ વધતી ગઇ. લાંબા અંતરની સાયકલ યાત્રા, દેશવિદેશની તરણસ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો અને મેડલ જીત્યા. તેમના ઘરનો અડધો કમરો આવા મેડલ અને પ્રમાણપત્રોથી ભરેલો છે.

આજે પણ તેઓ સાયકલ ચલાવે છે. તેઓ કહે છે, ૬૦ વર્ષની ઉંમરે વર્ષ ૨૦૦૦માં પૂણાથી બેંગલોર સુધીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. તે બાદ તેમણે સાયકલ જ ચલાવવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પોતાની કાર અને મોપેડ વેંચી નાખ્યું. આટલી ઉંમરે તેઓ આજે પણ સાયકલ ચલાવે છે. મેરેથોન સ્પર્ધામાં પણ ભાગ લે છે.

તેમની તંદુરસ્તીનું રહસ્ય જાણવું જરૂરી છે. તેઓ સંપૂર્ણ શાકાહારી છે. આખા દિવસની માત્ર છ રોટલી અને સાથે શાક જમે છે. ફ્રૂટ અને જ્યુસ લે છે. તેમણે છેલ્લે અમેરિકાના પ્રવાસ દરમિયાન ૨૦૧૨માં જંક ફૂડમાં પિત્ઝા ખાધા હતા. સાથે નિયમિત વ્યાયામ અને સાયકલિંગ તો ખરૂ જ ! રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં સૂઇ જાય છે અને વ્હેલી સવારે સાડા ચાર વાગ્યે ઉઠી જાય છે.

ગુજરાત રાજ્યના રચના થયા બાદ વિધાનસભાની ૧૯૬૨ની પ્રથમથી આજ સુધીની તમામ ચૂંટણીમાં ભગવતીબેને મતદાન કર્યું છે. મતદાન પ્રક્રીયામાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેઓ કહે છે કે, અમારા જેવા વૃદ્ધો જો મતદાન મથકે જઇ મતદાન કરી શકતા હોય તો તમામ નાગરિકોએ લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લેવો જોઇએ અને મતદાન કરવું જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોબાળો ઓછો પણ ગુજરાતમાં ચૂપ બેસી નથી કોંગ્રેસ, પ્રચાર માટે અપનાવી રહી છે ખાસ રણનીતિ