Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયન ગેમ્સ

એશિયન ગેમ્સ

દેવાંગ મેવાડા

ઓલમ્પિકની જેમ જ એશિયાના દેશો વચ્ચે રમતગમતના માધ્યમથી શાંતિ અને બંધુત્વનો સંદેશો ફેલાવવાના શુભ આશયથી 1951માં એશિયન ગેમ્સની શરૂઆત કરવામાં આવી. 1951માં દિલ્હી ખાતે પહેલી એશિયન ગેમ્સ રમાઈ.

તેમાં ભારતનું સ્‍થાન બીજું રહ્યું હતું. ભારતે ૧પ સુવર્ણ, ૧૩ રજત અને ૧ કાંસ્‍ય પદક મેળવ્‍યા હતા

ત્યારથી લઈને દર ચાર વર્ષે ટૂંકા નામે એશિયાડ તરીકે જાણીતી એવી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમીટીની દેખરેખ હેઠળ ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.

આમ તો એશિયન ગેમ્સના ઈતિહાસ તરફ નજર કરવામાં આવે તો તે પણ ઓલમ્પિકની જેમ પ્રાચીન અને અર્વાચીન એમ બે ભાગમાં વહેંચાયેલો છે. હાલ રમાતી એશિયન ગેમ્સ એ તેનું અર્વાચીન સ્વરૂપ છે.

જ્યારે પ્રાચીન સ્વરૂપમાં એશિયન ગેમ્સ સૌ પ્રથમ 1913માં મનિલા ખાતે યોજાઈ હતી. તે વખતે ફાર ઈસ્ટર્ન ચેમ્પિયનશીપ ગેમ્સ તરીકે ઓળખાતી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં જાપાન, ફિલીપાઈન્સ અને ચીને મહત્વનો ભાગ ભજવ્યો હતો.

1938માં જાપાને ચીન પર હુમલો કર્યો તેની સાથે ફાર ઈર્સ્ટન એશિયન ગેમ્સનું આયોજન અને અસ્તિત્વ જોખમાયું. બીજા વિશ્વયુદ્ધ પછી મોટાભાગના એશિયન દેશો સ્વતંત્ર થઈ ચૂક્યા હતા. મોટા ભાગના એશિયન દેશો ઓલમ્પિકની જેમ માત્ર એશિયાના દેશોનું પ્રતિનિધિત્વ હોય તેવી રમતગમત સ્પર્ધાનું નિયમિતપણે આયોજન થાય તેમ ઈચ્છી રહ્યા હતા.

1948માં લંડન ખાતે ચૌદમી ઓલમ્પિક રમતો દરમિયાન ભારતીય ઓલમ્પિક કમીટીના પ્રતિનિધિ ગુરૂદત્ત સોંધીએ એશિયન ગેમ્સના આયોજનનો વિચાર વહેતો મૂક્યો. તેમનો આ વિચાર એશિયન એથલેટીક ફેડરેશનની સ્થાપનામાં પરિણમ્યો.

ફેબ્રઆરી 1949માં એશિયન એથલેટીક ફેડરેશનની વિધીવત્ સ્થાપના કરવામાં આવી. ફેડરેશનની બેઠકમાં પહેલી એશિયન ગેમ્સ નવી દિલ્હી ખાતે 1951માં આયોજીત કરવાનો તેમજ ત્યારબાદ દર ચાર વર્ષે નિયમિતપણે એશિયન ગેમ્સ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.

જે રીતે પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓલમ્પિકના આયોજન પર અસર પડી. તે જ રીતે 1960ના દાયકાથી એશિયન ગેમ્સના આયોજનમાં પણ કેટલાક વિરોધાભાસો ઊભા થયા. જો કે વિરોધો અને વિવાદો છતાય અત્યાર સુધી નિયમિતપણે એશિયન ગેમ્સનું આયોજન થતું રહ્યું છે.

1962માં એશિયન ગેમ્સ ઈન્ડોનેશિયામાં યોજાવાની હતી. જો કે ઈન્ડોનેશિયાએ આ એશિયન ગેમ્સમાં ચીન અને ઈઝરાઈલના ભાગ લેવા બાબતે વિરોધ નોંધાવ્યો.
1970માં એશિયન ગેમ્સનું આયોજન કરનાર દેશ દક્ષિણ કોરીયાએ ઉત્તર કોરીયા તરફથી સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે એવું કારણ દર્શાવીને આયોજક તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું.

1977માં પાકિસ્તાને ભારત અને બાંગ્લાદેશ સાથે વણસેલા સંબંધોનું બહાનું આગળ ધરીને એશિયન ગેમ્સનું આયોજન કરવાનો નન્નો ભણ્યો.

આ બધા વિવાદોને લઈને એશિયન ગેમ્સ ફેડરેશને તેના બંધારણમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેના પરિણામે ઓલમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાની સ્થાપના કરવામાં આવી.

1982માં ભારતે ફરી એકવાર એશિયન ગેમ્સનું આયોજન કર્યુ. 1994માં ઓલમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાએ તેના કેટલાક સભ્ય દેશોના વિરોધ વચ્ચે સોવિયેત રીપબ્લીકમાંથી છૂટા પડેલા કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, ઉઝબેકીસ્તાન, તુર્કમેનીસ્તાન અને તજાકીસ્તાનને સભ્યપદ આપ્યું.

અત્યાર સુધી રમાયેલી એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દ્રષ્ટીએ ચીન સૌથી આગળ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati